જમીન વેચાણ કર્યા બાદ કેપિટલ ગેઇન ટેક્સની ચુકવણી કરવામાં અસમંજસની સ્થિતિ

જમીનનું વેચાણ થયા બાદ નાણાની ચુકવણી માટે સમય મર્યાદા નક્કી બાદ સાટાખત બનાવવામાં આવતું હોય છે. જ્યારે કેટલાક કિસ્સામાં દસ્તાવેજ બનાવીને પોસ્ટ ડેટેડ ચેક આપવામાં આવતા હોય છે. જેમાં જમીન વેચનારને ચારથી પાંચ વર્ષે તમામ નાણાં મળતા હોય છે. આવા સંજોગોમાં જમીન વેચનારે કેપિટલ ગેઇન ટેક્સ ભરવામાં અસમંજસની સ્થિતિ ઊભી થતી હોય છે, કારણ કે ઈન્કમટેક્સમાં એવો કોઈ નિયમ જ નથી કે ચાર વર્ષે નાણાં ચૂકવવામાં આવે તો કેપિટલ ગેઇન ટેક્સ કેવી રીતે ભરવાનો થાય. તેના બદલે એવો નિયમ છે કે જમીન વેચનારે દસ્તાવેજ કરાવી દીધો હોય એટલે તેણે કેપિટલ ગેઇન ટેક્સ ભરી દેવાનો હોય છે. નાણાંની ચુકવણી મોડી થવાના કારણે અનેક ખેડૂતો દ્વારા હાલ તો ઇન્કમટેક્સ વિભાગે એવો જવાબ આપી રહ્યા છે કે નાણાંની પૂરેપૂરી ચૂકવણી જ કરવામાં આવી નથી તો કેપિટલ ગેઈન ટેક્સ કેવી રીતે ભરીએ તેવું મોટા ભાગનાઓને સમજાતું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર ખેડૂત દ્વારા જમીનનું વેચાણ કરવામાં આવે એટલે ઈન્કમટેક્સના નિયમ પ્રમાણે ૧૨.૫ ટકા લેખે કેપિટલ ગેઈન ટેક્સ ભરવાનો થતો હોય છે. પરંતુ હાલમાં જે રીતે જમીનના સોદા થઈ રહ્યા છે તેમાં જમીનનું વેચાણ કરવામાં આવ્યા બાદ તમામ નાણાંની ચુકવણી ચારથી પાંચ વર્ષે કરવામાં આવે છે. તે માટેના ચેક પણ ખેડૂતને આપી દેવામાં આવતા હોય છે. તેની વિગતો સાથે દસ્તાવેજ કરવામાં આવતો હોય છે. હવે આઈટીના નિયમ પ્રમાણે દસ્તાવેજ કરવામાં આવ્યો હોય એટલે કેપિટલ ગેઈન ટેક્સ ભરી દેવાનો છે. ત્યારે સામે પક્ષે એટલે કે ખેડૂત દ્વારા એવું જણાવવામાં આવે છે કે જમીન વેચાણ કરવામાં આવી છે. તેમાં દસ્તાવેજ પણ કરી દેવામાં આવ્યો છે. પરંતુ તે પેટે તમામ રકમની ચુકવણી કરવા માટે ચારથી પાંચ વર્ષના પુરાવા પણ રજૂ કરવામાં આવે છે. તેના કારણે હાલ તો કેપિટલ ગેઇન ટેક્સ ભરવા માટે ખેડૂતોમાં અસમંજસની સ્થિતિ જોવા મળી રહી હોવાનું જાણવા મળે છે.
કેપિટલ ગેઇન ટેક્સ ભરાય તેટલી પણ રકમ ચૂકવાતી નથી
જમીન ખરીદનાર દ્વારા જે પણ રકમ આપવામાં આવે તેમાં મોટાભાગની રકમ તો સ્ટેમ્પ ડયુટી ભરવા માટે જ જતી રહેતી હોય છે. જ્યારે તેની પાસે જે રકમ બચે તે રકમ એટલી ઓછી હોય કે તેમાંથી કેપિટલ ગેઇન ટેક્સ ભરી શકે તેવી સ્થિતિ હોતી નથી. તેના કારણે જમીન વેચાણ કર્યા બાદ પણ ખેડૂતો કેપિટલ ગેઇન ટેક્સ ભરી શકતા નથી.

