વર્ષ ૨૦૨૬ની શરૂઆતમાં દેશમાં સૌ પ્રથમ હાથનું દાન ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સુરત થી કરાવવામાં આવ્યું

સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં આવેલી પ્રમુખ પાર્ક સોસાયટી ના ઘર નંબર 389 ખાતે પોતાના પરિવાર સાથે રહેતા જ્યોત્સનાબેનને તા. ૨૩ ડિસેમ્બરના રોજ માથામાં અસહ્ય દુ:ખાવો અને ઉલ્ટીઓ થતા તેમને સારવાર માટે શેલ્બી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ થયું હોવાનું નિદાન થયું હતું. તા. ૨૬ ડિસેમ્બરે તેમને વધુ સારવાર માટે યુનાઈટેડ ગ્રીન હોસ્પીટલમાં શીફ્ટ કરવામાં આવ્યા. તા. 3 જાન્યુઆરીના રોજ ન્યુરોસર્જન ડૉ. ધવલ પટેલે ક્રેન્યોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો અને સોજો દુર કર્યો હતો.
તા. ૮ જાન્યુઆરીના રોજ તેમને યુનાઈટેડ ગ્રીન હોસ્પીટલ થી યુનિવર્સલ હોસ્પિટલમાં શીફ્ટ કરવામાં આવ્યા. જ્યાં ન્યુરોસર્જન ડૉ. ધવલ પટેલ, ન્યુરોલોજીસ્ટ ડૉ. જય પટેલ, ઇન્ટેસિવીસ્ટ ડૉ. દિપક વિરડીયા અને ડૉ. નિધિ પટેલે જ્યોત્સનાબેનને બ્રેઈનડેડ જાહેર કર્યા.
ન્યુરોસર્જન ડૉ. ધવલ પટેલે ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી, જ્યોત્સનાબેનના બ્રેઈનડેડ અંગેની અને પરિવારની અંગદાન કરાવવાની ઈચ્છા છે તેમ જણાવ્યું. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી જ્યોત્સનાબેનના પતિ ભરતભાઈ, પુત્રો પીયુષ અને રવિ, ભત્રીજા કિશોર અને પાર્થને અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવી જણાવ્યું કે, તમે તમારા સ્વજનના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો છે તે માટે તમને વંદન અને સલામ છે પરંતુ દેશમાં દર વર્ષે હજારો વ્યક્તિઓના હાથ અકસ્માત કે ઈલેક્ટ્રીક કરંટ લાગવાને કારણે સખ્ત રીતે દાઝી જવાને કારણે કાપી નાખવા પડે છે. આવા દિવ્યાંગ વ્યક્તિઓએ પરાવલંબી જીવન જીવવું પડતું હોય છે. જો તમે જ્યોત્સનાબેનના બંને હાથના દાનની પણ મંજુરી આપો તો આવા દિવ્યાંગ વ્યક્તિઓ ફરી સ્વાવલંબી જીવન જીવી શકે. જ્યોત્સનાબેનના પતિ ભરતભાઈ અને પુત્રો પીયુષ અને રવિ એ જણાવ્યું કે શરીર તો રાખ જ થઇ જવાનું છે ત્યારે તેમના બીજા અંગો ની સાથે બંને હાથનું પણ દાન થઇ શકતું હોય તો તે પણ કરાવીને અંગ નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. જ્યોત્સનાબેનના પરિવારમાં પતિ ભરતભાઈ ઉ.વ. ૫૪, બે પુત્રો પીયુષ ઉ.વ. ૨૮ અને રવિ ઉ.વ ૨૭ છે. તેમના પતિ ભરતભાઈ અને એક પુત્ર રવિ ભંગાર લે વેચ નો વ્યવસાય કરે છે. બીજો પુત્ર પીયુષ અડાજણમાં આવેલ આસ્થા ચાઈલ્ડ ડેવલોપમેન્ટ સેન્ટરમાં સ્પીચ થેરાપીસ્ટ તરીકે કાર્ય કરે છે. પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTO નો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા લિવર સુરતની કિરણ હોસ્પિટલને, બંને કિડની અમદાવાદની હોસ્પિટલને ફાળવવામાં આવી. ગુજરાતમાં બંને હાથ અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ જરૂરિયાતમંદ દર્દી ન હોવાને કારણે ROTTO મુંબઈ દ્વારા બંને હાથ મુંબઈની નાણાવટી હોસ્પિટલને, ફેફસા મુંબઈ ની સર એચ. એન રિલાયન્સ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા. બંને કિડનીનું દાન મેડીકલ કારણોસર થઈ શક્યું નહોતું. જયારે દાનમાં મેળવવામાં આવેલા બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ રાજકોટના રહેવાસી ૨૦ વર્ષીય યુવકમાં મુંબઈ ની નાણાવટી હોસ્પિટલમાં ડો. નીલેશ સાતભાય અને તેમની ટીમ દ્વારા, ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની રહેવાસી ૬૪ વર્ષીય મહિલામાં મુંબઈની સર એચ. એન. રિલાયન્સ હોસ્પિટલમાં ડૉ. સંદીપ અત્તાવર, ડૉ. ઉર્મિલ શાહ, ડૉ. રીથીન રથનાકાર અને તેમની ટીમ દ્વારા, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના રહેવાસી ૬૩ વર્ષીય આધેડમાં સુરતની કિરણ હોસ્પીટલમાં ડૉ. ધર્મેશ ધાનાણી, ડો. ગૌરવ ગુપ્તા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું. ચક્ષુઓનું દાન લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકના ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.
બંને હાથ અને ફેફસાં સમયસર હવાઈ માર્ગે મુંબઈ પહોંચાડવા માટે યુનિવર્સલ હોસ્પીટલ થી સુરત એરપોર્ટ સુધીના માર્ગના બે ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે હૃદય, ફેફસા, હાથ, નાનું આંતરડું, લિવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા-જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી ૧૪૦ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે. માનવતાના આ મહાયજ્ઞમાં અમુલ્ય અંગોનું દાન આપનાર પુણ્ય નિષ્ઠ સ્વ. જ્યોત્સનાબેન ભરતભાઈ ઉસદરીયા ઉ. વ ૫૦ ના પરિવારની ડોનેટ લાઈફ ભાવ વંદના કરે છે. તેમના પરિવારજનોને તેમના આ સેવાકીય સંકલ્પ બદલ ઋણ સ્વીકાર કરીએ છીએ.
અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં જ્યોત્સનાબેનના પતિ ભરતભાઈ, પુત્રો પીયુષ અને રવિ, ભત્રીજા કિશોર અને પાર્થ, ન્યુરોસર્જન ડૉ. ધવલ પટેલ, ન્યુરોલોજીસ્ટ ડૉ. જય પટેલ, ઇન્ટેસિવીસ્ટ ડૉ. દિપક વિરડીયા, ડૉ. નિધિ પટેલ અને ડૉ. હરેશ વસ્ત્રપરા, COO મોનીલ પરમાર, ઓપરેશન હેડ દિવ્યેશ ગાંધી, રજીસ્ટ્રાર ડો. કલ્પેશ ગજેરા, ડો. કેતન સીસારા અને ડો. રાજદીપ, ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર કૃણાલ રાણા, નાઇટ મેનેજર પુજા સાલિયાન, ક્લીનીકલ કોઓર્ડિનેટર છાયા શેઢાવ તેમજ યુનિવર્સલ હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, સુરત નવી સિવિલ હોસ્પિટલના મેડીકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. ધારિત્રી પરમાર, ડોનેટ લાઈફના મંત્રી રાકેશ જૈન, ટ્રસ્ટી અને CEO નીરવ માંડલેવાલા, ટ્રસ્ટી હેમંત દેસાઈ, કરણ પટેલ, નિલય પટેલ, ક્રિશ પટેલ, અંકિત પટેલ, કૃતિક પટેલ, જગદીશભાઈ ડુંગરાણી, રમેશભાઈ વઘાસીયા (વલ્ભીપુર), પ્રોગ્રામિંગ ઓફિસર સુભાષ જોધાણી, નિહીર પ્રજાપતિ, વિશાલ ચૌહાણ, ભરત ત્રિવેદી અને નયન ભરવાડનો સહકાર સાંપડ્યો હતો. ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૩૬૬ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં ૫૫૧ કિડની, ૨૪૦ લિવર, ૫૭ હૃદય, ૫૬ ફેફસાં, ૯ પેન્ક્રીઆસ, ૧૦ હાથ, ૧ નાનું આતરડું અને ૪૪૨ ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ ૧૨૫૮ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
અંગદાન… જીવનદાન…
ડોનેટ લાઈફની વધુ માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટ પર ક્લિક કરો.

