Voice of Surat

ભારત 2047 સુધીમાં ટોચના ત્રણ AI સુપરપાવર દેશમાં સામેલ થશેઃ પીએમ મોદી

Posted On: |2 min read
ટેક્નોલોજી માનવીનું સ્થાન છીનવી લેવાને બદલે માનવતાની સેવા કરે તે સુનિશ્ચિત કરાશે

ભારતને 2047 સુધીમાં ટોચના ત્રણ એઆઈ સુપરપાવર દેશોમાં સ્થાપિત કરવાનો નિર્ધાર વ્યક્ત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત એઆઈ ટેક્નોલોજીનું માત્ર ગ્રાહક બની રહેવાને બદલે, અત્યાધુનિક મોડેલ્સ અને પ્લેટફોર્મ્સનું વૈશ્વિક સર્જક બનશે. એઆઈ લોકોની નોકરીઓ છીનવી લેશે તેવા ડરને દૂર કરતાં પીએમ મોદીએ એઆઈ ઈમ્પેક્ટ સમિટમાં જણાવ્યું હતું કે, એઆઈ ક્ષેત્રે ભારતની વૃદ્ધિ ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ બની રહેશે. જે એ બાબત સુનિશ્ચિત કરશે કે, ટેક્નોલોજી માનવીનું સ્થાન છીનવી લેવાને બદલે માનવતાની સેવા કરે. એઆઈ ભારતના આઈટી સેક્ટરનું સ્થાન લઈ રહ્યું હોવાની ચિંતાને દૂર કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, એઆઈ ભારતના આઈટી સેક્ટરમાં પરિવર્તન લાવી રહ્યું છે, જેને પગલે 2030 સુધીમાં આ સેક્ટર 400 અબજ ડોલરે સ્પર્શી જશે.સ્ટાર્ટઅપ્સ, રિસર્ચ ઈન્સ્ટિટ્યૂશન્સ તથા ટેક્ ઈકોસિસ્ટમના સમન્વય થકી, ઉત્પાદનમાં વૃદ્ધિ, વહીવટમાં સુધારો તથા રોજગારી સર્જનમાં વધારો શક્ય છે.

સમિટમાં સર્જાયેલી અવ્યવસ્થાથી ભારતની છબી ખરડાઈઃ કોંગ્રેસ

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, એઆઈ સમિટ દરમિયાન અનેક લોકોને હાડમારી સાથે કિંમતી સામાન પણ ચોરાઈ ગયો હતો. આ બધી અવ્યવસ્થાને કારણે ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો પડાવવાના શોખને કારણે અનેક લોકોએ મુશ્કેલીમાં મુકાવું પડ્યું હતું.

આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે માફી માગી

એઆઈ ઈમ્પેક્ટ સમિટ, 2026 દરમિયાન સર્જાયેલી અવ્યવસ્થાને કારણે તેમાં ભાગ લેનારાઓને નડેલી સમસ્યા બદલ કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે ખેદ વ્યક્ત કરી માફી માગી હતી. તેમણે કહ્યું કે, સમિટમાં લોકોને બહેતર સુવિધા પૂરી પાડવા માટે કન્ટ્રોલ સેન્ટર તૈયાર કરાયું છે. આ સમિટમાં ભાગ લેનારા કોઈને પણ નડેલી તકલીફ બદલ અમે તેમની માફી માગીએ છીએ.