સુરત શહેર-જિલ્લામાં નિયમોની અવગણના બદલ CSC (કોમન સર્વિસ સેન્ટર) સામે મોટી કાર્યવાહી

સુરત શહેર-જિલ્લામાં નિર્ધારિત માપદંડો અને નિયમોનું ઉલ્લંઘન કરનાર CSC (કોમન સર્વિસ સેન્ટર) સંચાલકો સામે CSC દિલ્હી મુખ્ય કાર્યાલય દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. નિયમો મુજબ કાર્ય ન કરતા સુરત શહેર-જિલ્લાના ૧૮૦ કોમન સર્વિસ સેન્ટરની આઈ.ડી. એક સાથે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે.વધુ વિગતો આપતા સી.એસ.સી. સુરતના CSC જિલ્લા પ્રબંધક શ્રી તુષાર બેલડીયાએ માહિતી માહિતી આપતા જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં સંચાલિત કોમન સર્વિસ સેન્ટરોની સતત દેખરેખ રાખવામાં આવી રહી હતી. નિરીક્ષણ અને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, અનેક કેન્દ્રો સરકાર દ્વારા નક્કી કરાયેલા નિયમોનું પાલન કરી રહ્યા નથી. તપાસમાં મુખ્યત્વે જાણવા મળ્યું કે ઘણા CSC (કોમન સર્વિસ સેન્ટર) સ્થાયી અને નિશ્ચિત સરનામા વિના સંચાલિત થઈ રહ્યા હતા. કેટલાક સંચાલકો સ્થાયી કાર્યાલય વગર CSC ID નો ઉપયોગ કરી રહ્યા હતા, જે નિયમ વિરોધ છે. આ ઉપરાંત ઘણા સી.એસ.સી.માં સરકાર દ્વારા નિર્ધારિત કોમન બ્રાન્ડિંગ બેનર યોગ્ય રીતે લગાવવામાં આવેલા ન હતા. બેનર ફક્ત ચોંટાડેલું કે લટકાવેલું હોવું માન્ય નથી, પરંતુ તેને યોગ્ય ફ્રેમમાં લગાવવું ફરજિયાત છે. બેનર પર CSC તથા સ્ટેટ લોગો સ્પષ્ટ રીતે દેખાવા આવશ્યક છે.તપાસમાં સેવાઓની દર યાદી (રેટ ચાર્ટ) પ્રદર્શિત કરવામાં આવી નહોતી, જે ગ્રાહકોની માહિતી માટે ફરજિયાત છે. CSC જિલ્લા પ્રબંધક-સુરત, શ્રી તુષાર બેલડીયાએ સ્પષ્ટ કર્યું કે, ભવિષ્યમાં ફક્ત તે જ CSC (કોમન સર્વિસ સેન્ટર) સંચાલિત થઈ શકશે, જે તમામ નિર્ધારિત શરતો અને માપદંડો પૂર્ણ કરશે. દરેક કેન્દ્ર માટે નિશ્ચિત અને સ્થાયી કાર્યાલય હોવું ફરજિયાત છે. તમામ VLE માટે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ જમા કરાવવું આવશ્યક છે. ઉપરાંત તમામ લેવડ-દેવડ દરરોજ માત્ર CSC પોર્ટલ મારફતે જ કરવી પડશે. જેઓની CSC (કોમન સર્વિસ સેન્ટર) ની ID બંધ કરવામાં આવી છે, તેમને તમામ ખામીઓ દૂર કરવા, જરૂરી સુધારા કરવા અને ત્યારબાદ પોતાના જિલ્લા પ્રબંધકનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

