પાલિકા બજેટ : ગત વર્ષની સરખામણીએ અત્યાર સુધી 123 કરોડનો વધારો થયો

સુરત મહાનગરપાલિકાનું ગત વર્ષે ૧૦ હજાર કરોડથી વધુનું ભવ્ય બજેટ રજૂ કરનારી નવા નાણાકીય વર્ષના બજેટ માટે વહીવટી સ્તરે તૈયારીઓમાં જોતરાઈ છે. એક બાજુ ગત વર્ષે ૫ જાન્યુઆરી સુધીની મુદતમાં પાલિકાએ ૧૭૮૦ કરોડના કેપિટલ ખર્ચ સામે આ વર્ષે ૧૯૦૩ કરોડનો આંક આંબી લીધો છે. તો બીજી બાજુ ચાલુ વર્ષનું સુધારેલું (રિવાઇઝ્ડ) બજેટ અને આગામી વર્ષના સૂચિત બજેટ માટે વિભાગીય સ્તરે આંકડાઓ સંકલિત કરવાની મથામણ શરૂ થઈ ગઈ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ૨૦૨૬ના વર્ષના આરંભ બાદ સોમવારે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે બજેટ, ખર્ચ અને આવક સંબંધિત મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને બેથી ત્રણ કલાકની મેરેથોન બેઠક યોજી હતી. આ બેઠકમાં એકાઉન્ટ વિભાગ ઉપરાંત તમામ ડિવિઝનલ હેડ અને ઝોનના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન વાસ્તવિક ખર્ચ, ગ્રાન્ટની સ્થિતિ અને આવકના વિવિધ સ્ત્રોતોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે નિર્ધારિત સમયમર્યાદા મુજબ ૫ જાન્યુઆરી સુધીમાં મહાનગરપાલિકાએ વિકાસકામો પાછળ કેપિટલ ખર્ચ પેટે ૧૭૮૦ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં લાંબી ચોમાસાની સિઝનને કારણે રસ્તા, ગટર અને પાણી પુરવઠા જેવા અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની ગતિ પર અસર પડી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. બેઠકમાં રજૂ થયેલી વિગતો મુજબ, ચોમાસાની લાંબી સિઝન છતાં મહાનગરપાલિકાએ ૫ જાન્યુઆરી સુધીમાં કુલ ૧૯૦૩ કરોડ રૂપિયાનો કેપિટલ ખર્ચ કર્યો છે. જ્યારે આખા નાણાકીય વર્ષ દરમિયાન અંદાજે ૪૯૦૩ કરોડ રૂપિયાનો કેપિટલ ખર્ચ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ અંદાજોને આધારે રિવાઇઝડ બજેટને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા શરૂ થઈ છે. પાલિકા કમિશનરે બેઠકમાં વાસ્તવિક બજેટ રજૂ કરવાની સ્પષ્ટ સૂચના આપી હતી. સાથે જ ગત વર્ષે માંગવામાં આવેલા ખર્ચની જોગવાઈ અમલમાં આવી કે નહીં, વણજોઈતા ખર્ચ થયા કે કેમ અને માંગેલા ખર્ચ કેમ થયા નહીં તે અંગે સ્પષ્ટતા માંગવામાં આવી હતી. જરૂરી જગ્યાએ લેખિત ખુલાસાની પણ તૈયારી રાખવા સૂચન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

