સુરત જિલ્લા પંચાયતનું નવું સમીકરણ : 36 બેઠકનું ચિત્ર સ્પષ્ટ

સુરત જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીને લઈ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ જોરશોરથી સરૂ કરી દેવામાં આવી હોવાનું દેખાઇ આવે છે. ત્યારે રાજ્ય ચૂંટણી આયોગએ સુરત જિલ્લા પંચાયતની કુલ ૩૬ બેઠકો માટેનું નવું રોટેશન (અનામત બેઠકોની યાદી) પ્રસિદ્ધ કરી છે. આ નવી યાદી જાહેર થતા જ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અનેક બેઠકો પર સ્ત્રી અનામત કે જ્ઞાતિગત અનામત આવતા વર્ષોથી વર્ચસ્વ ધરાવતા નેતાઓના પત્તા કપાય તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી હોવાનું જાણવા મળે છે. નવા રોટેશન મુજબ ૩૬ બેઠકોમાંથી અનુસૂચિત આદિજાતિ (એસ.ટી.) માટે મોટી સંખ્યામાં બેઠકો ફાળવવામાં આવી છે. જેમાં અનાવલ, અરેઠ, કરચેલીયા, મહુવા અને વરેલી જેવી બેઠકો અનુસૂચિત આદિજાતિ સ્ત્રી માટે અનામત રાખવામાં આવી છે. જ્યારે કામરેજ બેઠક અનુસૂચિત જાતિ (એસ.સી.) માટે ફાળવાઈ છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (એસ.ઈ.બી.સી.) માટે પણ બાબેન, દેવગઢ અને ઘાણાવડ જેવી બેઠકો અનામત રખાતા સ્થાનિક સ્તરે નવા ચહેરાઓને તક મળશે. આ ઉપરાંત હજીરા, મોરા (ચોર્યાસી), મોરા (ઓલપાડ), અને નવાગામ જેવી બેઠકો સામાન્ય (જનરલ) સ્ત્રી કે સામાન્ય કેટેગરીમાં રાખવામાં આવી છે. ખાસ કરીને ચોર્યાસી અને ઓલપાડ તાલુકાની બેઠકો પર બિન-અનામત બેઠકોનું પ્રમાણ જળવાઈ રહ્યું છે, જે રાજકીય પક્ષો માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આ આંકડાકીય વિગતો અને અનુસૂચિ-૧ જાહેર કરાતા જ ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોમાં બેઠકવાર ગણિત માંડવાનું શરૂ થઈ ગયું છે. ખાસ કરીને બારડોલી, માંડવી અને માંગરોળ પંથકની બેઠકો પર આદિવાસી મતોનું ધ્રુવીકરણ નિર્ણાયક સાબિત થશે.

