Voice of Surat

હજારો લારી, રેસ્ટોરન્ટ, ડેરી અને દુકાનો, 80 લાખ ઉપરાંતની વસ્તી વચ્ચે માત્ર 21 ફૂટ ઇન્સપેક્ટર

Posted On: |2 min read
Voice of Surat News

સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ અને આરોગ્ય સમિતિ ચેરમેન નેન્શી શાહ દ્વારા ફૂડ સેમ્પલની સંખ્યા વધારવા માટે વારંવાર ટકોર કરવામાં આવી છે. સુરત શહેરમાં નકલી ઘી, પનીર તથા અન્ય ખાદ્ય સામગ્રીની ફરિયાદો રોજબરોજ સામે આવી રહી છે. લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે, ત્યારે પાલિકાના આરોગ્ય તંત્રની વાસ્તવિક ક્ષમતા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. પરંતુ ટકોર અને હકીકત વચ્ચેનું અંતર દિવસે દિવસે વધી રહ્યું છે. કારણ કે સુરતમાં હજારો લારી, રેસ્ટોરાં, ડેરી અને દુકાનો તેમજ ૮૦ લાખની વસ્તી વચ્ચે ખાદ્ય સામગ્રીના નમૂનાની તપાસ માટે માત્ર ૨૧ ફૂડ ઇન્સ્પેક્ટર જ કાર્યરત છે.
સુરત શહેર ખાણીપીણી માટે જાણીતું અને માનીતુ શહેર ગણવામાં આવે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી ખાદ્ય સામગ્રીમાં ભેળસેળની ફરિયાદો અને કિસ્સાએ જાહેર આરોગ્યની ચિંતામાં વધારો કર્યો છે. એટલું જ નહીં, ખાદ્ય સામગ્રી એટલે કે ફૂડ સેમ્પલની ચકાસણી માટે માત્ર ૨૧ ફૂડ ઈન્સ્પેક્ટર હોય વહીવટી તંત્રની સ્થિતિ વામણી સાબિત થાય એમ છે. અગાઉ સુરત મહાનગરપાલિકાના ફૂડ ઈન્સ્પેક્શન વિભાગમાં ૨૪ ફૂડ ઈન્સ્પેક્ટર હતા, પરંતુ થોડા સમય પહેલા ૨ નિવૃત્ત થયા અને ૧ ફરજ મોકૂફી હેઠળ જતા સંખ્યા ઘટીને ૨૧ રહી છે. પરિણામે જે તંત્ર પહેલેથી જ ભારણ હેઠળ હતું, તે હવે વધુ લથડી ગયું છે. નવા ૨૧ ફૂડ ઈન્સ્પેક્ટરની ભરતીની વાતો ઘણા સમયથી ચાલી રહી છે. ફાઇ લો ફરી રહી છે. ચર્ચાઓ થાય છે. પણ હાલમાં ભરતીની કોઈ નિશાની દેખાતી નથી. ‘ભરતી આવશે'ના આશ્વાસન વચ્ચે હાલના ૨૧ ઈન્સ્પેક્ટર પર જ આખા શહેરની જવાબદારી લાદવામાં આવી છે. આ સ્થિતિમાં અસરકારક સેમ્પલિંગ અને કડક કાર્યવાહી કેવી રીતે શક્ય બને એ પ્રશ્ન અવગણવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળે છે.