કતારગામની ત્રણ TPના રિઝર્વેશન અંગે મુખ્યમંત્રીને અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરાઈ, પ્રજાહીતમાં નિર્ણય લેવાશે : મુખ્યમંત્રી

સુરત શહેરના કતારગામ પ્રિલીમરી ટી.પી. સ્કીમ નં. 49, 50 અને 51માં રહેણાંક મકાન તેમજ સોસાયટીની વાડીઓ પર મુકાયેલા રીઝર્વેશન મુદ્દે લડક ચલાવી રહેલી પીડિત પરિવાર સમિતિના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ મહત્વની રજુઆત કરી હતી. કતારગામની 1 લાખ લોકો ને અસર કરતી સૌથી મોટી સમસ્યા છે જેમાં 27 વધુ સોસાયટીની વાડી, રહેણાક મકાન, ખુલ્લા પ્લોટ અને રસ્તા પર મુકાયેલ રિઝર્વેશન રદ કરવા વિનંતી કરી હતી આ ઉપરાંત નાના અને મધ્યમવર્ગ ના લોકોની મિલકત છે જેમ કેટલાક લોકોએ દાગીના વહેંચીને તો કેટલાક લોકોએ મિલકત પર લોન લીધેલી છે આ મુદ્દે સમિતિના કુલ 12 પ્રતિનિધિ સાથે મુખ્યમંત્રીની મુલાકાત યોજાઈ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર મિટિંગમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે હાલ ટી.પી. સ્કીમ પ્રીલીમિનરી સ્ટેજમાં હોવાથી તેમાં ટેકનિકલ કારણો અને કાનૂની પ્રક્રિયાને ધ્યાનમાં રાખી ઉતાવળે કોઈ જાહેરાત કરી શકાય તેમ નથી. જોકે, સ્કીમ ફાયનલ થયા બાદ રિઝર્વેશનમાં જરૂરી ફેરફાર લાવવાની ખાતરી મુખ્યમંત્રીએ આપી હતી. સાથે જ તેમણે અસરગ્રસ્તોને વિશ્વાસ આપ્યો કે સરકાર પ્રજાહિતમાં જ નિર્ણય લેશે અને સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. અસરગ્રસ્ત પરિવારો દ્વારા સુરત મહાનગરપાલિકાની આવનારી ચૂંટણી પહેલા સ્પષ્ટ જાહેરાત કરવાની માંગ પણ કરવામાં આવી હતી. આ મુદ્દે મુખ્યમંત્રીએ “વિશ્વાસ રાખો” એવો આશ્વાસનભર્યો સંદેશ આપ્યો હતો. આ સિવાય પીડિત પરિવાર સમિતિના પ્રતિનિધિઓએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ મળીને રજુઆત કરી હતી. તેમને પણ જણાવ્યું હતું કે આ અંગે સરકાર પ્રજા હક માં યોગ્ય નિણર્ય કરશે તેવો વિશ્વાસ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિષય પર અગાઉ પણ અસરગ્રસ્તોએ સુરત મહાનગરપાલિકા પર રેલી કાઢીને મોરચો માંડ્યો હતો અને તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરી હતી, પરંતુ પ્રીલીમિનરી સ્ટેજ હોવાને કારણે કોઈ સ્પષ્ટ નિર્ણય લેવાયો નહોતો. હવે રાજ્ય સરકાર સ્તરે ચર્ચા થવાથી પીડિત પરિવારોને આશા બંધાઈ છે કે ફાયનલ ટી.પી. બાદ તેમને રાહત મળશે તેવું જાણવા મળે છે.

