Voice of Surat

ચાલુ વર્ષે રૂ.19.44 લાખ કરોડની ટેક્સ આવક, કલેક્શનમાં 9.4% વધારો

Posted On: |1 min read
સરકારની સીધા વેરાની આવકનો રૂ. 24.84 લાખ કરોડનો લક્ષ્યાંક

રિફંડમાં ધીમી ગતિ અને કોર્પોરેટ ટેક્સની ઊંચી આવકને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં 10મી ફેબ્રુઆરી સુધીમાં નેટ ડાયરેક્ટ ટેક્સનું કલેક્શન 9.4 ટકા વધીને આશરે રૂપિયા 19.44 લાખ કરોડ થયું છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ નાણાકીય વર્ષ (2025-26) માટેના સુધારેલા અંદાજમાં સરકારે તેના ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો લક્ષ્યાંક રૂ. 24.84 લાખ કરોડ રાખ્યો છે.

આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે, નેટ કોર્પોરેટ ટેક્સ કલેક્શન 14.51 ટકા વધીને રૂ. 8.90 લાખ કરોડ થયું છે, જ્યારે વ્યક્તિગત કરદાતાઓ અને હિન્દુ અવિભાજ્ય પરિવારો સહિતના નોન-કોર્પોરેટ ટેક્સની આવક 5.91 ટકા વધીને આશરે રૂ. 10.03 લાખ કરોડ થઈ છે. 1 એપ્રિલથી 10 ફેબ્રુઆરીની વચ્ચે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સનું કલેક્શન રૂ. 50,279 કરોડ રહ્યું હતું, જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં લગભગ સ્થિર છે. ચાલુ નાણાકીય વર્ષમાં 10 ફેબ્રુઆરી સુધી ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 4.09 ટકા વધીને રૂપિયા 22.78 લાખ કરોડ થયું છે. જેમાં રૂ. 10.88 લાખ કરોડનો ગ્રોસ કોર્પોરેટ ટેક્સ અને રૂપિયા 11.39 લાખ કરોડના નોન-કોર્પોરેટ ટેક્સનો સમાવેશ થાય છે.