રાજ્યની શરૂ થનારી 16 નવી સરકારી કોલેજોમાં આચાર્ય સહિતની કુલ 117 જગ્યા ભરવાની મંજૂરી

રાજ્યમાં આગામી દિવસોમાં 16 નવી સરકારી કોલેજો શરૂ કરવાની અને 8 કોલેજમાં નવા પ્રવાહ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતની સાથે સાથે આગામી દિવસોમાં 117 જેટલી ટીચિંગ અને નોન ટીચિંગની જગ્યાઓ પણ ભરવામાં આવશે. સરકાર દ્વારા કઇ કોલેજમાં કેટલી જગ્યાઓ ભરવાની રહેશે તેની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. આમ, આગામી દિવસોમાં સરકારી કોલેજોમાં ભરતી માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી સરકારી કોલેજોને મંજૂરી આપવામાં આવી ન હોવાના કારણે અનેક વખત રજૂઆતો અને માંગણી કરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં તાજેતરમાં વિધાનસભામાં બજેટસત્ર દરમિયાન બિન આદિજાતિ અને આદિજાતિ વિસ્તારમાં નવી કોલેજોને મંજૂરી આપવાની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આ જાહેરાતમાં અમદાવાદમાં હાથીજણમાં નવી સરકારી કોલેજમાં વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન પ્રવાહની કોલેજ શરૂ કરવામાં આવશે. આજ રીતે બિન આદિજાતિ વિસ્તારમાં ખાનપુર, ઉના, ધાનેરા, માળીયા, રાણપુર, દહેગામ અને ગઢશીશા વિસ્તારમાં નવી કોલેજ શરૂ કરવામાં આવશે. આ સિવાય આદિજાતિ વિસ્તારમાં પણ બનાસકાંઠા, વલસાડ, મહિસાગર, દાહોદ, છોટા ઉદેપુર, સુરતમાં બે અને નવસારીમાં એક કોલેજ શરૂ કરવામાં આવશે. આ સિવાય બિન આદિજાતિ વિસ્તારમાં ચાલતી બે કોલેજોમા નવા પ્રવાહ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ કોલેજ શરૂ કરવાની મંજૂરી આપવાની સાથે સાથે સરકાર દ્વારા આચાર્ય, આસી.પ્રોફેસર, ગ્રંથપાલ, પીટીઆઇ, કલાર્ક, શ્રેયાન કલાર્ક, લેબ. આસિ. , જુનિયર કલાર્ક અને પટ્ટાવાળા સહિતની જગ્યાઓ માટેનું મહેકમ પણ મંજૂર કરી દેવામાં આવ્યું છે. સૌથી વધુ અમદાવાદના હાથીજણ વિસ્તારમાં શરૂ થનારી નવી આર્ટસ, કોમર્સ અને સાયન્સની કોલેજમાં 4 આસી. પ્રોફેસર સહિત કુલ 11 જગ્યા મંજૂર કરવામાં આવી છે. આજ રીતે અન્ય 7 કોલેજોમાં 11 જગ્યાઓ ભરવાની મંજૂરી આપવામાં આવી છે. આગામી દિવસોમાં આ જગ્યાઓ માટે જાહેરાત આપીને ઇન્ટરવ્યૂ ગોઠવવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે. જોકે, દરેક કોલેજોમાં પટ્ટાવાળાની કુલ 13 જગ્યા આઉટસોર્સિંગથી ભરવામાં આવશે તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. મહત્વની વાત એ કે, તાજેતરમાં સરકારી કોલેજોમાં અધ્યાપકોની ભરતી માટે અધ્યાપક સહાયક તરીકે કામગીરી કરી હોય તે અનુભવને પણ ધ્યાનમાં લેવાની જાહેરાત કરવામાં આવી છે. આમ, નવા નિયમ પ્રમાણે ભરતીની પ્રક્રિયા કરવાની રહેશે.
કુલ કયા કેડરની કેટલી જગ્યાઓ ભરાશે
કેડર જગ્યા
આચાર્ય 7, આસી.પ્રોફેસર 52, ગ્રંથપાલ 7, પીટીઆઇ 7, મુખ્ય કલાર્ક 7,
કેડર જગ્યા
શ્રેયન કલાર્ક 7, લેબ.આસી. 11, જુનિયર કલાર્ક 6, પટ્ટાવાળા 13
કુલ 117

