બાંગ્લાદેશે ભારત સાથે 1,80,000 ટન ડીઝલ માટે ડીલ કરી!

બાંગ્લાદેશ પેટ્રોલિયમ કોર્પોરેશન(BPC)એ વર્ષ 2026 માટે ભારતની સરકારી તેલ કંપની નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ(NRL) પાસેથી 1,80,000 મેટ્રિક ટન ડીઝલ આયાત કરવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. આ આખા સોદાનો અંદાજિત ખર્ચ 14.62 અબજ ટકા(અંદાજે 119.13 મિલિયન ડોલર) નક્કી કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં થતા ઉતાર-ચઢાવ મુજબ અંતિમ કિંમતમાં ફેરફાર થઈ શકે છે. આ ઉર્જા સહયોગને સફળ બનાવવા માટે 'ભારત-બાંગ્લાદેશ મૈત્રી પાઇપલાઇન' એક મજબૂત સેતુ તરીકે કાર્ય કરી રહી છે. આસામ સ્થિત NRLની રિફાઇનરીમાંથી ડીઝલને પ્રથમ સિલીગુડી લાવવામાં આવશે અને ત્યાંથી આ પાઇપલાઇન દ્વારા સીધું બાંગ્લાદેશ પહોંચાડવામાં આવશે. વર્ષ 2022-23માં શરૂ થયેલી આ પાઇપલાઇન ટેકનોલોજીને કારણે પરિવહન વ્યવસ્થામાં મોટો બદલાવ આવ્યો છે. ઉર્જા સલાહકાર મુહમ્મદ ફૌઝુલ કબીર ખાને સ્પષ્ટ કર્યું હતું કે, આ આયાત અગાઉની સરકાર દ્વારા કરાયેલા 15 વર્ષના લાંબા ગાળાના કરાર હેઠળ થઈ રહી છે.નોંધપાત્ર બચત થઈ રહી છે, જે બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોને વધુ સુદ્રઢ બનાવે છે.

