એર પ્યુરિફાયર પર GST ઘટાડવાની માગણી કરતી અરજીનો કેન્દ્રમાં વિરોધ

એર પ્યુરિફાયર્સને મેડિકલ ડિવાઇસ તરીકે વર્ગીકૃત કરવા અને તેના પરના જીએસટીમાં ઘટાડો કરવાની માગણી કરતી જાહેર હિતની અરજી (PIL)નો દિલ્હી હાઇકોર્ટમાં કેન્દ્ર સરકારે જોરદાર વિરોધ કરતાં જણાવ્યું હતું કે ટેક્સ સંબંધિત બાબતોમાં ન્યાયિક હસ્તક્ષેપ બંધારણીય રીતે અસ્વીકાર્ય છે. કોર્ટમાં આ મામલે શુક્રવારે સુનાવણી થવાની છે.
આ અરજીના જવાબમાં દાખલ કરેલા સોગંદનામામાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે જો આ કોર્ટ GST દરોમાં ફેરફાર કરવા, GST કાઉન્સિલની બેઠક બોલાવવા અથવા GST કાઉન્સિલને કોઈ ચોક્કસ પરિણામ પર વિચાર કરવા અથવા અપનાવવા માટેનો આદેશ અપાશે તો તે GST કાઉન્સિલની કામગીરીમાં કોર્ટની દરમિયાનગીરી સમાન હશે. આવી કવાયત સત્તાઓના વિભાજનના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. આ જાહેર હિતની આ અરજી પર શુક્રવારે મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને ન્યાયાધીશ તેજસ કારિયાની ખંડપીઠેમાં સુનાવણી નિર્ધારિત છે. અરજીમાં એર પ્યુરિફાયર્સને મેડિકલ ડિવાઇસ તરીકે વર્ગીકૃત કરી તેના પરના જીએસટીને હાલના 18 ટકાથી ઘટાડી 5 ટકા કરવાની માગણી કરાઈ છે.
એડવોકેટ કપિલ મદને દાખલ કરેલી અરજીમાં દલીલ કરાઈ છે કે દિલ્હીમાં ગંભીર પ્રદૂષણને કારણે સર્જાયેલી આત્યંતિક કટોકટીને ધ્યાનમાં રાખીને એર પ્યુરિફાયર્સને લક્ઝરી વસ્તુઓ તરીકે ગણી શકાય નહીં. કોર્ટે અગાઉ કેન્દ્રને સવાલ કર્યો હતો કે રાષ્ટ્રીય રાજધાની અને નજીકના વિસ્તારોમાં હવાની ગુણવત્તા બગડતી જાય છે, તેથી સામાન્ય માણસ માટે મશીનો સસ્તા બનાવવા માટે તે એર પ્યુરિફાયર પરના GST દર કેમ ઘટાડતી નથી. કોર્ટે GST કાઉન્સિલને વહેલી તકે બેઠક બોલાવવા અને એર પ્યુરિફાયર પરનો ટેક્સ ઘટાડવા અથવા નાબૂદ કરવા પર વિચાર કરવાનો આદેશ પણ આપ્યો હતો.

