વિધાનસભા : સુરતમાં ટીપુ ય દારુ નહિં મળવાની સ્થિતિ સર્જવા વિપક્ષનો પડકાર, સરકારનું મૌન!!

સુરત અને અમદાવાદમાં દારની રેલમછેલ, ડ્રગ્સ, બીયર, તાડી, નશીલા દ્રવ્યોને લઈ પ્રશ્નોત્તરી દરમિયાન ગુજરાત વિધાનસભા ગૃહમાં શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ સામ-સામે આવી ગયા હતા, એક તબક્કે વિપક્ષે સરકારને ચેલેન્જ આપી હતી કે, એકલા સુરતમાં એક અઠવાડિયું ટીપું ય દારૂ નહિ મળે તેવી જાહેરાત કરવા માટે ચેલેન્જ આપી હતી, જોકે સરકારના મંત્રીઓ આ મુદ્દે કશું જ બોલી શક્યા ન હતા. તેમણે આ મુદ્દે મૌન સેવ્યું હતું. રાજ્યના ગૃહ વિભાગે કબૂલાત કરી હતી કે, અમદાવાદ શહેરમાં વર્ષ ૨૦૨૪ અને ૨૦૨૫ એમ બે વર્ષમાં ૧૭.૯૮ કરોડનો વિદેશી દારૂ, ૨.૯૦ કરોડનો દેશી દારૂ, ૨૦.૫૩ કરોડનો ડ્રગ્સ તદુપરાંત ૯૧.૨૨ લાખના માદક દ્રવ્ય પકડાયા છે. આમ અંદાજે ૪૨ કરોડ જેટલો આ જથ્થો પકડાયો છે જ્યારે સુરત અને વડોદરામાં એક જ વર્ષમાં ૫૧.૪૩ કરોડનો દારૂ, બિયરનો જથ્થો પકડાયો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રશ્ને ગૃહમાં વિપક્ષે દાવો કર્યો હતો અમદાવાદ-સુરતના દારૂ ડ્રગ્સના કે, અહીં બેઠેલા ૧૮૨ ધારાસભ્યો એમ કહી શકતાં નથી કે મારા વિસ્તારમાં દારૂ મળતો નથી, આ તબક્કે નાની-અમથી વાતમાં બુમ બરાડા પાડતાં ધારાસભ્યો હરફ સુદ્ધાં ઉચ્ચારી શક્યા નહોતા. ગુજરાતમાં નશાબંધીનો કાયદો અમલમાં છે કે કેમ તે સવાલ ઊભો થાય છે. ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે, બહેનો નાની ઉંમરે વિધવા થાય છે, નાના પોલીસ કર્મી પર તો એક્શન લેવાય છે પરંતુ આઈપીએસ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારી પર કેમ પગલાં ભરાતાં નથી? આ તબક્કે સરકાર તરફથી જવાબ અપાયો હતો કે, સરકાર ગંભીરતાથી કામ કરી રહી છે, અન્ય રાજ્યમાં ડ્રગ્સનો જથ્થો જતો હતો, તેને પણ ગુજરાત પોલીસે પકડી પાડયો છે, ગુજરાત પોલીસ ગોળીઓનો સામનો કરીને પણ આ બદી રોકવા માટે પ્રયાસ કરે છે. કોંગ્રેસના મોઢે દારૂબંધીની વાત શોભતી નથી, તમારા કયા મંત્રીની ગાડીમાંથી શું પકડાયું હતું? મોહંમદ સુરતી કોણ હતા? તમારા ભાઈ હતા? આ તબક્કે ગૃહમાં શોરબકોર થતાં સ્પીકરે ટકોર કરી હતી કે, મંત્રી ટૂંકમાં જવાબ આપે અને વિપક્ષ પણ રાજકીય ટિપ્પણીથી દૂર રહે.

