Voice of Surat

સુરત સહિત જિલ્લામાં વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત

Posted On: |1 min read
Voice of Surat News

રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ રહી છે ત્યારે સુરત શહેર તેમજ જિલ્લામાં શુક્રવારે (20મી ફેબ્રુઆરી) વહેલી સવારે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો.અચાનક થયેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા થોડા દિવસોથી જિલ્લામાં વિચિત્ર હવામાન જોવા મળી રહ્યું છે. અત્યારે સુરત જિલ્લામાં શિયાળો અને ઉનાળો એમ બંને ઋતુનો એકસાથે અનુભવ કરી રહ્યા છે. વહેલી સવારે ઠંડો પવન અને વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા અને ઠંડું બન્યું છે. જ્યારે બપોરના સમયે પારો ઊંચકાતા અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને રવી પાક લણણીના આરે છે ત્યારે આ વરસાદ તેને નુકસાન પહોંચાડી શકે છે. ખેતરોમાં તૈયાર થયેલા ઘઉં અને ચણાના પાકને વરસાદના કારણે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વાતાવરણમાં આવેલા આ અચાનક બદલાવને કારણે ખેતીના પાકમાં જીવાત પડવાની તેમજ લોકોમાં શરદી-ઉધરસ જેવો વાયરલ ઈન્ફેક્શન વધવાની શક્યતા પણ વધી ગઈ હોવાનું જાણવા મળે છે.

સુરતમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો

સુરતમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો છે. ઝાપટાં પડ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સુરત શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. વરસાદી ઝાપટાંને કારણે વહેલી સવારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી ઠંડીનું જોર પણ વધ્યું છે.