Voice of Surat

સુરત મહાનગરપાલિકાની ગટર લાઇનમાં ગેરકાયદે ઝેરી કેમિકલ ઠાલવતી કંપની ઉપર જીપીસીબીના પડઘા

Posted On: |2 min read
Voice of Surat News

સુરત શહેરના પાંડેસરા બમરોલી વિસ્તારમાંથી પસાર થતી પાલિકાની ગટર લાઇ નમાં ગેરકાયદે રીતે ઝેરી કેમિકલયુક્ત પાણી ઠાલવવાના કેસમાં દહેજ અને પાનોલીની કંપની ઉપરાંત પાંડેસરાના બે યુનિટને પણ ક્લોઝર આપીને જીપીસીબીએ બંધ કરાવી દીધી છે. આ ઉપરાંત પાંડેસરાની બંને કંપનીને ૨૫ લાખનો દંડ પણ ફટકાર્યો છે. પાંચ જાન્યુઆરીના રોજ જીપીસીબીએ બાતમીના આધારે બમરોલીમાં રાત્રિના અંધકારનો લાભ લઈ કેમિકલ વેસ્ટ પાલિકાની ગટરમાં ઠાલવતા બે ટેન્કરને ઝડપી પાડયા હતા. આ બંને ટેન્કર પાંડેસરા ખાતે આવેલા ઉમા એન્ટરપ્રાઈઝ અને મા એન્ટરપ્રાઈઝના પરીસરમાંથી પાલિકાની ગટરમાં કેમિકલ ઠાલવી દેવામાં આવતું હતું. તેને જીપીસીબીની ટીમે ઝડપી પાડી તપાસ કરતા બંને ટેન્કર દહેજ અને પાનોલીના કેમિકલ યુનિટમાંથી સુરતમાં ગેરકાયદે રીતે કેમિકલ ઠાલવવા માટે મોકલવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. તેમાં એવી પણ હકીકત બહાર આવી હતી કે પાનોલી જીઆઈ ડીસીની ઓમ ક્લોરાઇડ અને દહેજ જીઆઈ ડીસીમાં આવેલી ઓપીજે કેમ પાઇવેટ લિમિટેડમાંથી આ ટેન્કરમાં કેમિકલ ભરીને સુરત મહાનગરપાલિકાની ગટરમાં ઠાલવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી જીપીસીબીએ બંને ટેન્કરને જપ્ત કરીને પાંડેસરા પોલીસને સોંપી દીધા હતા. તેમજ પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલે રિપોર્ટ તૈયાર કરીને ગાંધીનગર જીપીસીબીની વડી કચેરી ખાતે મોકલી આપ્યો હતો. તે આધારે પાંડેસરાના બંને યુનિટ ઉમા એન્ટરપ્રાઈઝ અને મા એન્ટરપ્રાઈઝ તેમજ દહેજની ઓપીજે કેમ અને પાનોલીની ઓમ કલોરાઇડને ક્લોઝર નોટિસ આપીને પાણી અને વીજળીના જોડાણ કાપી નાંખવામાં આવ્યા છે. આ ઉપરાંત પાંડેસરાની બંને કંપનીઓને પ્રદૂષણ ફેલાવવા બદલ ૨૫ લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જીપીસીબીના અધિકારીઓના જણાવ્યા મુજબ પર્યાવરણને થયેલા નુકસાન બદલ આ ચારેય એકમો સામે એન્વાયરમેન્ટલ ડેમેજ કમ્પેન્સેશન એટલે કે પર્યાવરણીય નુકસાન વળતરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત કંપનીઓની બેંક ગેરંટી જપ્ત કરવા સહિતના કડક પગલાં લેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.