Voice of Surat

૨૦૨૫ના વર્ષમાં વિશ્વભરમાં ૧૦ મહિલા પત્રકારો સહિત ૧૨૮ પત્રકારોની હત્યા: સૌથી વધુ ૫૬ પત્રકારો પેલેસ્ટાઈન (ગાઝા)માં શહીદ થયા

Posted On: |2 min read
Voice of Surat News

પત્રકારોની સુરક્ષા માટે કામ કરતી વૈશ્વિક સંસ્થા IFJ ના અંતિમ રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૨૫ માં કુલ ૧૨૮ પત્રકારો અને મીડિયાકર્મીઓએ જીવ ગુમાવ્યો છે. આ આંકડામાં ૧૦ મહિલા પત્રકારોનો પણ સમાવેશ થાય છે. અહેવાલમાં જણાવ્યા મુજબ, કુલ મૃત્યુના ૫૮ ટકા હિસ્સો માત્ર મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) અને અરબ દેશોમાં નોંધાયો છે, જે આ પ્રદેશને પત્રકારો માટે વિશ્વનો સૌથી ખતરનાક વિસ્તાર બનાવે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર એકલા પેલેસ્ટાઈન (ગાઝા) માં ૫૬ પત્રકારો માર્યા ગયા છે. આ પત્રકારો ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનું કવરેજ કરી રહ્યા હતા. ૧૦ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ અલ જઝીરાના પત્રકાર અનસ અલ-શરીફ અને અન્ય પાંચ મીડિયાકર્મીઓ પર ગાઝા સિટીની અલ શિફા હોસ્પિટલ બહાર પત્રકારોના તંબુમાં થયેલો ટાર્ગેટેડ હુમલો વર્ષની સૌથી કરૂણ ઘટનાઓમાંની એક હતી.
IFJ ના ડેટા મુજબ, પત્રકારોની હત્યાના મામલે અન્ય દેશોની સ્થિતિ પણ ચિંતાજનક છેઃ
યમનઃ ૧૩ પત્રકારોની હત્યા
યુક્રેનઃ ૮ પત્રકારોના મોત.
સૂદાનઃ ૬ પત્રકારોની હત્યા.
ભારત અને પેરુઃ બંને દેશોમાં ૪-૪ પત્રકારો માર્યા ગયા.
પાકિસ્તાન, મેક્સિકો અને ફિલિપાઈન્સ : દરેકમાં ૩-૩ મોત નોંધાયા. માત્ર હત્યા જ નહીં, પત્રકારોને જેલમાં ધકેલવાની પ્રવૃત્તિમાં પણ વધારો થયો છે. હાલમાં વિશ્વભરમાં ૫૩૩ પત્રકારો જેલમાં બંધ છે.
શિયા-પેસિફિકઃ આ ક્ષેત્રમાં સૌથી વધુ ૨૭૭ પત્રકારો કેદ છે.
ચીનઃ હોંગકોંગ સહિત ૧૪૩ પત્રકારો ને જેલમાં રાખીને ચીન વિશ્વનું સૌથી મોટું પત્રકાર જેલર બન્યું છે. ત્યારબાદ મ્યાનમાર (૪૯) અને વિયેતનામ (૩૭) નો નંબર આવે છે.

IFJ ના મહાસચિવ એન્થોની બેલેન્જરે આ સ્થિતિને વૈશ્વિક સંકટ ગણાવ્યું છે. તેમણે સરકારોને અપીલ કરી છે કે પત્રકારોની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને હત્યારાઓને સખત સજા કરવામાં આવે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, દુનિયા હવે વધુ રાહ જોઈ શકે તેમ નથી, પ્રેસની સ્વતંત્રતા જાળવી રાખવી એ સમયની જરૂરિયાત છે. નોંધનીય છે કે ૧૯૯૦ થી અત્યાર સુધીમાં IFJ એ કુલ ૩,૧૭૩ પત્રકારોના મૃત્યુનું દસ્તાવેજીકરણ કર્યું છે.

એજન્સી.નવી દિલ્હી.