Voice of Surat

સ્પેશ્યલ રોલ ઓબ્ઝર્વર સુશ્રી. ઐશ્વર્યા સિંઘે સુરત જિલ્લામાં મતદાર યાદીની કામગીરીની સમીક્ષા કરી

Posted On: |2 min read
સ્પેશ્યલ રોલ ઓબ્ઝર્વરે નર્મદા, તાપી અને વલસાડ જિલ્લાના કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા કરીઃ

રાજયમાં ચાલી રહેલા મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ માટે ચૂંટણી પંચ દ્વારા નિયુકત કરવામાં આવેલા રોલ ઓબ્ઝર્વર સુશ્રી. ઐશ્વર્યા સિંઘ(IAS), ભારત સરકારના જલશક્તિ મંત્રાલયના સંયુકત સચિવ અને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ના એમ.ડીએ સુરત જિલ્લામાં મતદાર યાદી સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત કરવામાં આવી રહેલી કામગીરીની વિગતે સમીક્ષા કરી હતી. આ ઉપરાંત તેમણે નર્મદા, તાપી અને વલસાડ જિલ્લાના કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એસ.આઈ.આર.ની સમીક્ષા કરી હતી.સુરત જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારઘીએ સુરત જિલ્લામાં મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી રહેલી કામગીરી અંગે પાવર પોઇન્ટ પ્રૈઝન્ટેશનના માધ્યમથી ખાસ રોલ ઓબ્ઝર્વરને વિગતે જાણકારી આપી હતી.જિલ્લા ચૂંટણી અધિકારીએ કામગીરી અંગે વિગતે છણાવટ કરતા જનજાતિ સમુદાય, આદિમજૂથ સમુદાય, સથળાંતરિત શ્રમિકો, ઔદ્યોગિક વસાહતમાં રહેતા અને સ્થળાંતર કરતા રહેતા શ્રમિકો, ડિમોલિશનના લીધે સ્થળાંતરિત મતદારો તેમજ જિલ્લાના દરેકે દરેક મતદાર સુધી મતદાર યાદી સઘન સુધારણા ઝુંબેશની બુથ લેવલ ઓફિસર મારફત વિગતે જાણકારી આપવામાં આવી હોવાનું કહી તેમણે ઇન્યુમરેશન ફોર્મની વહેંચણી, પરત મેળવવામાં આવેલા ઇન્યુમરેશન ફોર્મ, નોટીસ બજવણી, રોજેરોજ મતદારોની કરવામાં આવી રહેલી સુનાવણી અંગે જાણકારી આપી હતી.રોલ ઓબ્ઝર્વર સુશ્રી. ઐશ્વર્યા સિંઘે કામગીરી દરમિયાન ઉપસ્થિત થતી મુશ્કેલીઓ તેમજ પ્રશ્નો અંગે પણ ઉપસ્થિત અધિકારીઓ સાથે વિગતે ચર્ચા કરી ભારતના ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાત રાજય તરફથી મળતી માર્ગદર્શક સૂચનાઓને લક્ષમાં રાખી કામગીરી સમયમર્યાદામાં પુરી એની તકેદારી રાખવા જણાવ્યું હતું.આ ઉપરાંત રોલ ઓબ્સર્વર સુ.શ્રી ઐશ્વર્યા સિંઘે ઉપસ્થિત અધિકારીઓને NO mapping તથા નામ અને ઉમરમાં વિસંગતતા ધરાવતી કેટેગરીના મતદારો દ્વારા રજૂ કરવામાં આવતા પુરાવો અને પુરાવાઓના વેરિફિકેશનની પ્રક્રિયા અંગે જાણકારી મેળવી હતી. ASD ( ગેરહાજર, સ્થળાંતર, મૃત્યુ) યાદી, No Mapping કેટેગરીના મતદારોને નોટિસ બજવણી કર્યા બાદ કરવામાં આવતી સુનાવણી દરમિયાન ઉપસ્થિત થતી સમસ્યાઓને ચૂંટણી પંચની માર્ગદર્શક સૂચનાઓ ધ્યાનમાં રાખી યોગ્ય ઉકેલ લાવવા માર્ગદર્શન આપ્યું હતું.આ ઉપરાંત તેમણે રાજકીય પક્ષના સાથે હાલ ચાલી રહેલી દાવા અને વાંધા રજુ કરવાના તબક્કા અને અન્ય મુદ્દાઓ પરત્વે બેઠક યોજી હતી. બેઠકમાં ઉપસ્થિત સુરત મ્યુસિપલ કમિશ્નર સુશ્રી. શાલિની અગ્રવાલ અને ડેપ્યુટી કમિશ્નર સુશ્રી. નિધિ સિવાચે પણ ઉપયોગી સૂચનો રજૂ કર્યા હતા.