2026માં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં મોટી રાહતના સંકેત!

SBI રિસર્ચના તાજેતરના વિશ્લેષણ મુજબ, વર્ષ 2026માં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. રિપોર્ટ મુજબ, જૂન 2026 સુધીમાં ક્રૂડ ઓઈલની કિંમત ઘટીને 50 ડોલર પ્રતિ બેરલ થઈ શકે છે, જેના પરિણામે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો આવવાની સંભાવના છે. હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રન્ટ ક્રૂડ 1.01 ડોલર વધીને 61.76 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું છે. બીજી તરફ, WTI ક્રૂડ સામાન્ય ઘટાડા સાથે 58.29 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. જોકે, એસબીઆઈ રિસર્ચનો અહેવાલ સૂચવે છે કે આગામી સમયમાં આ કિંમતોમાં મોટો ઘટાડો આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લે માર્ચ 2024માં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધી કિંમતો સ્થિર છે. હાલમાં દિલ્હીમાં પેટ્રોલ ₹94.77 અને ડીઝલ ₹87.67 પ્રતિ લિટર મળી રહ્યું છે. તેમજ ગુજરાતમાં પેટ્રોલ ₹94.63-₹95 પ્રતિ લિટર અને ડીઝલ ₹90.30 - ₹90.67 પ્રતિ લિટર મળી રહ્યું હોવાનું જાણવા મળે છે.

