Voice of Surat

સ્ટેમ્પ ડ્યુટી વિભાગમાં લાંચિયાઓનો રાફડો, પટ્ટાવાળો 2000 લેતા કેમેરામાં કેદ

Posted On: |1 min read
રાજકોટ જૂની કલેક્ટર કચેરીના સ્ટેમ્પ ડ્યુટી વિભાગમાં ભ્રષ્ટાચારનો ખુલાસો થયો છે. પટ્ટાવાળો હિરેન ચૌહાણ 2,000ની લાંચ લેતા ઝડપાયો છે. ડેપ્યુટી કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે.

રાજકોટની જૂની કલેક્ટર કચેરીમાં આવેલી સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગની કચેરી (ગ્રામ્ય વિભાગ-2) ભ્રષ્ટાચારના અડ્ડા સમાન બની હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. એક જાગૃત નાગરિકે કચેરીમાં ચાલતી ગેરકાયદે વસૂલાતનો લાઈવ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા વહીવટી તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હોવાનું જાણવા મળે છે.

સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ ખાતે આવેલી સ્ટે્મ્પ ડ્યુટી વિભાગની કચેરીમાંથી વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, આઉટસોર્સિંગ (કોન્ટ્રાક્ટ બેઝ) પર પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતો હિરેન ચૌહાણ નામનો કર્મચારી કામ કરાવવા માટે રૂ. 5,000ની લાંચની માંગણી કરી રહ્યો છે. રકઝક બાદ તે રૂ. 2,000ની રોકડ સ્વીકારતો કેમેરામાં કેદ થયો છે. આ વીડિયોમાં કર્મચારી અન્ય સાથીદારો સાથે ભાગીદારી હોવાના પણ સંકેત આપી રહ્યો છે. વીડિયોમાં પટ્ટાવાળો હિરેન ચૌહાણ વારંવાર કચેરી અધિક્ષકને આ રૂપિયા આપવાના હોવાનો ઉલ્લેખ કરતો સંભળાય છે. આ મામલે જ્યારે કચેરી અધિક્ષકએ પોતાની સંડોવણી હોવાના તમામ આક્ષેપો નકારી કાઢ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "હિરેન ચૌહાણ શું વહીવટ કરે છે તેની મને કોઈ જાણ નથી." જો કચેરી અધિક્ષક કે અન્ય કોઈ અધિકારીની સંડોવણી જણાશે, તો તેમની સામે પણ કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.