Voice of Surat

અમદાવાદના ફાર્મહાઉસમાં દરોડા, NRI સહિત 15થી વધુની ધરપકડ

Posted On: |1 min read
રાજ્યમાં ઠેર ઠેર દારૂની રેલમછેલ જોવા મળી રહી છે.

રાજ્યમાં ઠેર ઠેર દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. આવો જ એક હાઈપ્રોફાઈલ કિસ્સો અમદાવાદના પોશ વિસ્તારમાંથી સામે આવ્યો છે, જ્યાં શુક્રવારે મોડી રાત્રે ચાલતી રેવ પાર્ટી પર પોલીસે દરોડો પાડી 15થી વધુ લોકોને દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે આઠ પુરુષો અને છ મહિલાઓ સહિત 15થી વધુ લોકોની અટકાયત કરી હતી અને સ્થળ પરથી દારૂની બોટલો, હુક્કાનો સામાન અને અન્ય સામગ્રી જપ્ત કરી હતી.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનસુાર બોપલ પોલીસને બાતમી મળી હતી કે મદાવાદના શીલજ પાસે આવેલા ઝેફાયર ફાર્મહાઉસમાં એક હાઈપ્રોફાઈલ પાર્ટી ચાલી રહી છે, જેમાં શરાબ અને શબાબની છોળો ઉડી રહી છે. આ બાતમીના આધારે બોપલ પોલીસે મોડી રાત્રે ફાર્મહાઉસ પર દરોડો પાડ્યો હોવાનું જાણવા મળે છે. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે પાર્ટીના રંગમાં ભંગ પડ્યો હતો. પોલીસે દારૂના નશામાં ચૂર 15થી વધુ લોકોની ધરપકડ કરી હતી. આશ્ચર્યજનક રીતે આ પાર્ટીમાં 2 ભારતીયો સહિત 15 જેટલા NRI અને વિદેશી નાગરિકો મોજ માણતા ઝડપાયા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા લોકોમાં નાઈઝિરીયન, આફ્રિકન, મોઝામ્બિકા અને કેન્યાના નાગરિકો પણ સામેલ હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે બોપલ પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, દારૂની પાર્ટી ચાલતી હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે ફાર્મહાઉસ પર દરોડો પાડ્યો હતો. અમે દારૂ, હુક્કા અને અન્ય વસ્તુઓ જપ્ત કરી છે. આ મામલે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનુંજાણવા મળે છે.