Voice of Surat

ગુજરાત માધ્યમિક, ઉ.મા. શિક્ષણ બોર્ડના વિનિયમોમાં સુધારો કરાશે

Posted On: |2 min read
Voice of Surat News

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિનિયમોમાં સુધારા માટે શિક્ષણ બોર્ડ દ્વારા 5 ફેબ્રુઆરીએ સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિ સુધારા અંગે 3 માસમાં અહેવાલ સુપરત કરશે તેવું નક્કી કરાયું હતું. જેમાં શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, સંચાલક મંડળ સહિત તમામ લોકો પાસેથી સૂચનો મગાવ્યા હતા. બોર્ડને આ સૂચનો 22 એપ્રિલ સુધીમાં મળી રહે તે પ્રકારે મોકલવા જણાવાયું હતું. જોકે, વિવિધ શૈક્ષણિક મંડળો દ્વારા પોતાના સૂચનો મોકલી દીધા બાદ કમિટીના અહેવાલના આધારે સુધારા કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યં છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના અધિનિયમ-1972ની કલમ-3 હેઠળ થઈ છે. અધિનિયમની કલમ-53 હેઠળ અધિનિયમની જોગવાઈઓના અસરકારક અમલીકરણ માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો-1974 ઘડાયા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો-1974માં જરૂર જણાય તો વખતોવખત સુધારા કરાય છે. હાલમાં ઘણી બધી જોગવાઈઓની સ્પષ્ટતાઓ ન હોવાના સંજોગોમાં હાઈકોર્ટ તેમજ ટ્રિબ્યૂનલમાં સરકાર પક્ષે બચાવની યોગ્ય કાર્યવાહી થઈ શકતી નથી. તેથી કામગીરીમાં બિનજરૂરી ગૂંચવણ ઊભી થાય છે અને કેસોનો નિકાલ સમયસર થઈ શક્તો નથી. સરકાર પક્ષે નાણાકીય ભારણ પણ વધે છે.
આ સમિતિ દર 15 દિવસે મળશે અને બોર્ડના વિનિયમોમાં કેવા પ્રકારના ફેરફાર કરવા તે અંગે અહેવાલ તૈયાર કરશે. આ અહેવાલ તૈયાર કરવા માટે સમિતિને 3 માસનો સમય અપાયો હતો.દરમિયાન શિક્ષણ સાથે સંકળાયેલાઓ પાસેથી સૂચનો મગાવવાનો નિર્ણય લેવાયો હતો. જોકે, હાલમાં સમિતિ સમક્ષ વિવિધ શૈક્ષણિક સંગઠનો દ્વારા સૂચનો મોકલી આપ્યા છે. સંચાલક મંડળ અને શૈક્ષિક મહાસંઘ દ્વારા પણ પોતાના સૂચનો મોકલી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.