વાવાઝોડની આગાહી વચ્ચે પલ્ટો : ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ

ઉત્તર ગુજરાતના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી ૫ થી ૬ દિવસ દરમિયાન ભારે વરસાદની જે આગાહી કરી હતી, તેના પગલે મહેસાણા જિલ્લાના ઊંઝા સહિતના અનેક પંથકમાં વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ધોધમાર વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું છે. ઊંઝા, દાસજ, કહોડા, કામલી, ડાભી અને આસપાસના વિસ્તારોમાં પડેલા આ અણધાર્યા વરસાદથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત પર હાલ બે સમુદ્રી સિસ્ટમની સંયુક્ત અસર જોવા મળી રહી છે. ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પાક કાપણી ટાળે અને ખુલ્લા ખેતરોમાં રહેલા ધાન્યને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડી લે. કારણ કે આગામી દિવસોમાં હવામાન અસ્થિર રહેવાની પૂરી સંભાવના છે. તમામ બંદરો પર માછીમારોને દરિયો ન ખેડવા માટે ભયસૂચક સિગ્નલ લાગુ કરી દેવાયા છે. આ સમયગાળામાં ખેતરોમાં બાજરી અને કપાસ સહિતનો પાક તૈયાર છે. અચાનક પડેલા વરસાદના કારણે આ પાકને ભારે નુકસાન થવાની શક્યતા જણાઈ રહી છે.

