સુરતમાં રજિસ્ટ્રાર કચેરીમાં ગત વર્ષ કરતા 2373 દસ્તાવેજોની વધુ નોંધણી થઇ

સુરત શહેર તેમજ જિલ્લામાં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીમાં ગત વર્ષ કરતાં આ દિવાળીએ 2373 મિલકતના દસ્તાવેજ વધુ નોંધણી થયા છે. સબ રજિસ્ટ્રાર કચેરીને સ્ટેમ્પ ડ્યૂટી પેટે 240.57 કરોડ અને રજિસ્ટ્રેશન ફ્રી પેટે 41.02 કરોડ રૂપિયાની આવક નોંધાઇહોવાનું જાણવા મળે છે. ગતવર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં 25 કરોડ અને રજિસ્ટ્રેશન ફ્રીની આવકમાં 3.44 કરોડ રૂપિયાનો વધારો થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રિયલ એસ્ટેટમાં આંશિક મંદીના એંધાણ વચ્ચે દિવાળી આવતા જ રિયલ એસ્ટેટની ગાડી પુરપાટ ઝડપે દોડવા માંડી હતી. દિવાળી પહેલા 19મી સપ્ટેમ્બરથી 10મી ઓક્ટોબર 2025 સુધીમાં સુરત શહેર અને જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં 30,730 મિલકતના દસ્તાવેજની નોંધણી થઈ હતી. જ્યારે 2024માં દિવાળીના આ જ સમયગાળા દરમિયાન એટલે કે 30 નવેમ્બરથી 31મી ઓક્ટોબર સુધીમાં 28,357 મિલકતના દસ્તાવેજની નોંધણી થઈ હતી. એટલે કે આ વર્ષે 2373 મિલકતના દસ્તાવેજ વધુ નોંધણી થયા છે. દસ્તાવેજ નોંધણીમાં ઉછાળો જોવા મળતાં કેટલીક સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં ટોકનની સંખ્યા વધારવામાં આવી હતી. ખાસ કરીને કતારગામ, નવાગામ અને અડાજણ સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણીની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો.

