Voice of Surat

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડો. યોગેન્દ્ર મકવાણાનું નિધન

Posted On: |1 min read
એસસી સમુદાય માટે જીવનભર તેમનું ઉત્કૃષ્ટ પ્રદાન

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. યોગેન્દ્ર મકવાણાનું 92 વર્ષની વયે નિધન થયું છે. ગુજરાતના અનુસૂચિત જાતિ સમુદાયના તેઓ પ્રભાવશાળી નેતા હતા અને એસસી સમુદાયના ઉત્થાન માટે તેમનું ઉત્કૃષ્ટ પ્રદાન રહ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જિલ્લાના સોજિત્રા ગામના ડો. મકવાણાનો જન્મ 22 ઓક્ટોબર 1933એ થયો હતો. 22 ઓક્ટોબરે તેમના જન્મ દિવસ પૂર્વે જ તેમના નિધનથી પરિવાર અને તેમના પરિચિત વર્તુળમાં શોકનો માહોલ છવાયો હતો. 1980થી 1988 સુધી તેમણે કેન્દ્રીય મંત્રી મંડળ અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટરમાં વિવિધ જવાબદારી સંભાળી હતી.તેમની પ્રભાવશાળી કામગીરીને ધ્યાનમાં રાખીને 2006માં યોગેન્દ્ર મકવાણાની એઆઇસીસીના એસસી વિભાગના અધ્યક્ષ તરીકે પણ નિમણૂક કરાઇ હતી. રાજકીય અને સામાજિક અગ્રણીઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પ્રજા સમાજવાદી પક્ષના મહામંત્રી તરીકે તેમણે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી અને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના કહેવાથી તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. તેમના પત્ની શાંતાબેન મકવાણા પણ પ્રથમ ગુજરાત વિધાનસભામાં 1962માં ચૂંટાયા હતા અને મંત્રીપદે અનેક વિભાગોની જવાબદારી સંભાળી હતી. તેમના પુત્રી અનુરાધાબેન રાજ્યના જાણીતા સનદી અધિકારી રહી ચૂક્યા છે અને એડિ.ચીફ સેક્રેટરી તરીકે નિવૃત્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.