Voice of Surat

વીર પુરવઠાના અનિયમિતતાને કારણે ખેડૂતોને સિંચાઇમાં મુશ્કેલી

Posted On: |1 min read
Voice of Surat News

સુરત જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતના ખેડૂતો હાલ વીજ પુરવઠાની અનિયમિતતા અને તકનિકી ખામીઓને કારણે સિંચાઈની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. શેરડીના રોપાણ, કટિંગ અને શાકભાજીની સીઝનની શરૂઆતના આ મહત્ત્વના સમયમાં ખેડૂતોને નિયમિત પાણી મળી રહે તે માટે વિશ્વસનીય વીજ પુરવઠો જરૂરી છે, પરંતુ વીજળીના વાયરની ચોરી, ખરાબ ટ્રાન્સફોર્મર અને મેન્ટેનન્સના અભાવને કારણે ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે.
આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL)ના મેનેજિંગ ડિરેક્ટરને તાત્કાલિક પગલાં લેવા રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકે રજૂઆત કરતા જણાવ્યું હતું કે ટ્રાન્સફોર્મર ખરાબ થવા અને મેન્ટેનન્સના અભાવને કારણે ઘણાં વિસ્તારોમાં વીજ પુરવઠો અવારનવાર ખોરવાઈ જાય છે, જેના કારણે ખેડૂતોને રાત્રીના સમયે પણ સિંચાઈ માટે મુશ્કેલી પડે છે. ખેડૂતો દ્વારા કરવામાં આવતી ઓનલાઈન ફરિયાદોનો નિકાલ સમયસર થતો નથી, જેના કારણે નાના મુદ્દાઓ પણ મોટા બનીને ઉત્પાદનમાં ઘટાડો કરે છે. રજૂઆતમાં અંતે જણાવાયું છે કે, જો સમયસર અસરકારક પગલાં લેવામાં આવશે તો ખેડૂતોને સમયસર સિંચાઈ માટે વીજળી મળી રહેશે, પાકનું ઉત્પાદન જળવાઈ રહેશે અને દક્ષિણ ગુજરાતના ખેતીકારોને આર્થિક નુકસાનથી રાહત મળશે તેવું રજૂઆતમાં જણાવ્યું હતું.