સુરતનું કરોડોનું શેર ટ્રેડિંગ કૌભાંડ: ત્રીજો ગુનો નોંધાયો

સુરત શહેર તેમજ જિલ્લામાં ઓછી મુડીમાં વધુ વળતરની લાલચ આપીને રોકાણકારોને છેતરવાના બનાવોમાં દિવસે નેદિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાંથી સામે આવેલા ‘શાહ ઇન્વેસ્ટમેન્ટ’ કેસથી રોકાણકારોમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે. શેર ટ્રેડિંગના નામે ઓફિસ ખોલીને કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર શાહ દંપતી પૂજા શાહ અને હાર્દિક શાહ વિરુદ્ધ એક જ મહિના દરમિયાન સુરતમાં ત્રીજો ગુનો નોંધાયો હતો.જે આ કૌભાંડની ગંભીરતા અને વ્યાપકતા દર્શાવે છે. સોશિયલ મીડિયા પર ગુજરાતી કલાકારોના વીડિયોનો ઉપયોગ કરીને રોકાણકારોને ઝાંસો આપનાર આ દંપતીએ અનેક પરિવારોની મહેનતની કમાણી લૂંટી લીધી હોવાનું છેતરાયેલા પરિવારોનુ કહેવું છે. આ પરિવારોમાં પણ વધુ વળતરની લાલચે આવા રોકાણકારોને પૈસા પણ આપી દેતા હોવાનું સ્પષ્ટ પણે દેખાય છે.
અત્રે ઉલ્લેખનીય છેકે શાહ ઇન્વેસ્ટમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર પૂજા શાહ અને ફાઉન્ડર હાર્દિક શાહ વિરુદ્ધ હવે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ત્રીજો ગુનો નોંધાયો છે. આ ગુનામાં વરાછાના એક સોફ્ટવેર ડેવલપર સહિત કુલ નવ વેપારીઓના અંદાજિત 99 લાખ રૂપિયા હોવાનું જાણવા મળે છે.

