નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ અઠવાલાઇન્સ ખાતે પોલીસ શહીદ સંભારણા દિવસ નિમિત્તે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ અઠવાલાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ શહીદ સંભારણા દિવસ નિમિત્તે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પોલીસ શહીદ દિવસ દેશની સુરક્ષા અને શાંતિ માટે શહાદત વ્હોરી પોતાના પ્રાણ ત્યજનારા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે. રાજ્યના ૩ જવાન સહિત દેશભરમાંથી ૧૯૧ પોલીસ અધિકારી/કર્મચારીઓએ ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. ત્યારે રાજ્ય અને રાષ્ટ્ર દરેક વીર શહીદ અને તેમના પરિવારોના હરહંમેશ ઋણી રહેશે એમ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતે જણાવ્યું કે, દેશભરમાં ૨૧ ઓક્ટોબરે ઉજવાતા પોલીસ શહીદ દિવસે રાષ્ટ્રની સેવામાં ભારતીય પોલીસ અને તેમના પરિવારના મહામૂલા યોગદાનને બિરદાવવામાં આવે છે. સાથે આ દિવસે દેશભરના પોલીસને પ્રજા અને રાષ્ટ્રના રક્ષણમાં ખડેપગ રહી નિરંતર ઉત્કૃષ્ટ કામગીરી કરવાની પ્રેરણા મળે છે. વધુમાં તેમણે લોકસુરક્ષા માટે કાર્યરત વિવિધ પોલીસ દળોને વધુ ઉન્નત કરી દેશની આંતરિક સુરક્ષાને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે સુરત શહેર અને ગ્રામ્યના પોલીસ વિભાગના અધિકારી/કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસસ્ટાફગણ હાજર રહ્યા હતા.

