જરૂરિયાતમંદ નાગરિકોને દિવાળીની ભેટ મ્યુનિ. વધુ 102244 આવાસ બનાવશે

આગામી નવા વર્ષે શહેરનાં જરૂરિયાતમંદ નાગરિકો માટે અમદાવાદ મ્યુનિ. દ્વારા ગરીબ આવાસ, LIG અને રિડેવલપમેન્ટ સ્કીમ અમલમાં મૂકીને ૧૦,૨૪૪ આવાસ બનાવવામાં આવનાર છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સામી દિવાળીએ અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટે.કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું હતું કે, શહેરી ગરીબો અને મધ્યમવર્ગનાં નાગરિકોને ઘરનાં ઘર આપવાનાં સંકલ્પનાં ભાગરૂપે મ્યુનિ. દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આગામી બે વર્ષમાં રૂ.૧,૪૦૬.૬૨ કરોડના ખર્ચે વિવિધ સ્કીમ અંતર્ગત ૧૦, ૨૪૪ મકાનો બનાવાશે. જેના માટે કેટલીક સ્કીમો માટે ટેન્ડર મંજૂર કરાયા છે અને કેટલાંક મકાનો માટે ટેન્ડર પ્રોસેસ હાથ ધરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, શહેરના વિવિધ વિસ્તારોમાં ગરીબ આવાસ યોજના અંતર્ગત ૨,૬૨૩ મકાનો, લોઅર ઈન્કમગ્રૂપ સ્કીમ(LIG) અંતર્ગત ૧,૨૩૩ મકાનો તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૩,૭૯૪ આવાસ બનાવવામાં આવશે. આમ, આગામી બે વર્ષમાં શહેરના વિવિધ વિસ્તારોમાં મકાનોની જરૂરિયાત ધરાવતા લોકોને ઘરનાં ઘર આપવાનું આયોજન હાથ ધરાયું છે.
સ્ટે.કમિટી ચેરમેને વધુ માહિતી આપતાં કહ્યું કે, ગરીબ આવાસ અને LIG સ્કીમમાં મકાન બનાવ્યા બાદ વાસ્તવમાં જરૂરિયાત હોય તેવા જ નાગરિકોને મકાન મળે તેવી જોગવાઈ કરવાની સાથે મકાન ભાડે આપવાની પ્રવૃત્તિ થાય નહીં તે માટે કડક નિયમો લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, જે લોકો મકાન ભાડે આપે અથવા કાચી ચિઠ્ઠીથી વેચાણ કરી નાખે તેમનાં દસ્તાવેજ રદ થાય અને મકાન ફાળવણી રદ થાય તેવી જોગવાઈ માટે વિચારણા ચાલી રહી છે.
દેવાંગભાઈ દાણીનાં જણાવ્યા અનુસાર, શહેરનાં અનેક વિસ્તારોમાં ચાલી ઝૂંપડપટ્ટી આવેલી છે, ત્યાં વસતા નાગરિકોને સુવિધાયુક્ત પાકા આવાસ મળે અને તેમનું જીવનધોરણ સુધરે તેવા હેતુથી ચાલી ઝૂંપડપટ્ટીનાં રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવશે. એકંદરે સ્લમ રીડેવલમેન્ટ હેઠળ ૨,૪૯૭ મકાનો બનાવવાનું આયોજન છે. તેની સાથે મ્યુનિ. દ્વારા વર્ષો અગાઉ વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓ માટે બનાવવામાં આવેલા સ્ટાફ ક્વાર્ટર્સ પૈકી મોટાભાગના સ્ટાફ ક્વાર્ટર્સ જર્જરિત બની ગયા છે. જેમાં જમાલપુર, બહેરામપુરા, દાણીલીમડા, દૂધેશ્વર, ખોખરા, નરોડા અને બાપુનગર વગેરે વિસ્તારમાં આવેલા મકાનો જૂના અને જર્જરિત બની ગયા હોવાથી આ મકાનોને રીડેવલપ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

