Voice of Surat

ચૂંટણી-૨૦૨૬: સુરત મહાનગરપાલિકાના ૩૦ વોર્ડની ૧૨૦ બેઠકો માટે ૧૩,૩૮૫ પોલીંગ કર્મચારીઓનો સ્ટાફ તૈનાત

Posted On: |1 min read
Voice of Surat News

સુરત મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે લોકશાહીના મહાપર્વને શાંતિપૂર્ણ અને સુચારૂ રીતે સંપન્ન કરવા માટે સુરત જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે. સુરત મહાનગરપાલિકાના ૩૦ વોર્ડની કુલ ૧૨૦ બેઠકો માટે આગામી તા.૨૬મી એપ્રિલ-૨૦૨૬ના રોજ યોજાનાર મતદાનની પ્રક્રિયા માટે વહીવટી તંત્ર દ્વારા કુલ ૧૩,૩૮૫ પોલીંગ સ્ટાફની નિમણૂંક કરવામાં આવી છે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન મથકના મુખ્ય અધિકારી તરીકે પ્રિસાઇડિંગ ઓફિસર, મતદાર યાદી અને ઓળખ માટે પોલીંગ ઓફિસર-૧, ટેકનિકલ સહાય માટે પોલીંગ ઓફિસર-૨ તેમજ ફિમેલ પોલીંગ ઓફિસર અને મતદારોની સુવિધા અને વ્યવસ્થા માટે અટેન્ડન્ટ સહિતના સહાયક સ્ટાફને તૈનાત કરવામાં આવ્યા છે. આ સમગ્ર ટીમ મતદાનના દિવસે ઈવીએમ (EVM)ના સંચાલનથી લઈને મતદાનની ગોપનીયતા જાળવવા સુધીની તમામ કામગીરીમાં સક્રિયપણે જોતરાશે. સુરત વહીવટી તંત્ર દ્વારા આ તમામ ૧૩,૩૮૫ પોલીંગ સ્ટાફને આધુનિક ચૂંટણી પ્રક્રિયા, ટેકનોલોજીનો ઉપયોગ અને કાયદો-વ્યવસ્થાના પાલન અંગે સઘન તાલીમબદ્ધ કરાયા છે. મતદાનના દિવસે મતદાન પ્રક્રિયા પારદર્શક અને તટસ્થ રીતે પૂર્ણ કરવા દરેક વોર્ડમાં સુપરવાઈઝરી સ્ટાફ અને સેક્ટર ઓફિસરોનું સતત મોનિટરિંગ રહેશે.