સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં 'સ્માર્ટ મીડિયા લોન્જ': જિલ્લા વહીવટીતંત્રની વિશિષ્ટ અને સ્માર્ટ પહેલ

સ્માર્ટ સિટી સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયામાં આધુનિક ટેકનોલોજીનો સફળ અને સ્માર્ટ ઉપયોગ કરવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ. સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર સુરત મનપાની ચૂંટણીમાં શ્રી એસ.એસ. ગાંધી એન્જિનિયરિંગ કોલેજ મતગણતરીના રિઅલટાઈમ વિગતો માટે સ્માર્ટ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના ૩૦ વોર્ડની મતગણતરી પ્રક્રિયાની ડિટેલને વધુ ઝડપી, પારદર્શક અને ટેકબેઝડ બનાવવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 'સ્માર્ટ મીડિયા લોન્જ' કાર્યરત કરવામાં આવી હતી.
આ આધુનિક વ્યવસ્થાના ભાગરૂપે મતગણતરી કેન્દ્ર ખાતે ૧૦ વિશાળ એલઈડી (LED) સ્ક્રીન લગાવવામાં આવી હતી. દરેક ચૂંટણી અધિકારી (RO) દીઠ એક સ્ક્રીન ફાળવવામાં આવી હતી, જેમાં પ્રત્યેક અધિકારી હેઠળના ત્રણ વોર્ડની મતગણતરીની લાઈવ વિગતો દર્શાવવામાં આવી હતી. આ ડિજિટલ ડિસ્પ્લેમાં 'વ્યૂ ઓન્લી' રાઈટ્સ (View Only Rights) દ્વારા દરેક ઉમેદવારને મળેલા મતોના લાઈવ આંકડા અને સરસાઈ મેળવનાર મુખ્ય ચાર ઉમેદવારોના નામ સતત અપડેટ થતા હતા. જે વોર્ડની ગણતરી ચાલુ હોય ત્યાં 'ઇન પ્રોગ્રેસ' અને પૂર્ણ થયા બાદ આપોઆપ 'કમ્પ્લીટેડ' સ્ટેટસ દેખાય તેવી વિશેષ ટેકનિકલ સુવિધા ઊભી કરવામાં આવી હતી. સ્માર્ટ મીડિયા લોન્જ પાછળની આ જટિલ ટેકનિકલ ડિઝાઈન અને અમલીકરણમાં ટેકનિકલ નોડલ અને સિનિયર ટાઉન પ્લાનર શ્રી કે. ડી. પટેલનું વિશેષ માર્ગદર્શન રહ્યું હતું. તેમનું ટેકનિકલ કૌશલ્ય ઉપયોગી સાબિત થયું હતું. વહીવટી સ્તરે પણ આ સિસ્ટમ અત્યંત ક્રાંતિકારી સાબિત થશે. ઓનલાઇન ડેટા ફીડિંગના કારણે ચૂંટણી પંચમાં પ્રસ્તુત કરવાના થતા વિવિધ સત્તાવાર દસ્તાવેજો જેવા કે, નમૂનો ૨૧, ૨૨, જોડાણ ૨૬, ૮૬ અને ૨૨ હવે મેન્યુઅલને બદલે ઓટોમેટિક જનરેટ થાય છે. આ સિસ્ટમ દ્વારા વિજેતા ઉમેદવારોના પ્રમાણપત્રો પણ રિયલ ટાઈમ ડેટાના આધારે ત્વરિત અને ભૂલરહિત તૈયાર થયા હતા. આ ઓટોમેશન પદ્ધતિથી માનવકલાકો, ઉર્જા અને સમયની નોંધપાત્ર બચત અને સમગ્ર વહીવટી પ્રક્રિયા ક્ષતિરહિત બની હતી. ડિજિટલ ગવર્નન્સના માધ્યમથી સચોટ માહિતીનું રિયલ-ટાઈમ પ્રસારણ સુનિશ્ચિત કરી સુરત જિલ્લા વહીવટી તંત્રએ લોકશાહીના પર્વને વધુ સુગમ, સ્માર્ટ અને મીડિયા ફ્રેન્ડલી બનાવ્યું હતું.


