Voice of Surat

ધો. ૧૦ અને ૧ર પછી શું?, વનિતા વિશ્રામ વુમન યુનિવર્સિટીના નિષ્ણાત ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું

Posted On: |2 min read
વિદ્યાર્થીઓએ માત્ર ડિગ્રી મેળવવા સુધી મર્યાદિત ન રહી, પરંતુ પ્રેકિટકલ જ્ઞાન, કોમ્યુનિકેશન સ્કિલ્સ અને ટેકનોલોજીનો ઉપયોગ શીખવો અત્યંત જરૂરી છે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુસર કારકિર્દી માર્ગદર્શન મહોત્સવનું આયોજન કરાયું છે. આ મહોત્સવ અંતર્ગત શનિવાર, તા. ૧૮ એપ્રિલ, ર૦ર૬ના રોજ સાંજે પઃ૩૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં વનિતા વિશ્રામ વુમન યુનિવર્સિટીના પ્રોફેસરો ડો. ભૂમિકા ચર્નાનંદ, ડો. મનિષા વ્યાસ, ડો. રિયા નાડકર્ણી દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ ૧૦ અને ૧ર પછી ઉપલબ્ધ વિવિધ કારકિર્દી વિકલ્પો, અભ્યાસક્રમો અને ભવિષ્યની તકો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વનિતા વિશ્રામ વુમન યુનિવર્સિટીના પ્રોફેસરોએ જણાવ્યું હતું કે, ધોરણ ૧૦ અને ૧ર પછી વિદ્યાર્થીઓ માટે વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ કારકિર્દી તકો ઉપલબ્ધ છે, પરંતુ યોગ્ય માહિતી અને માર્ગદર્શનના અભાવે વિદ્યાર્થીઓ ઘણીવાર ગૂંચવણ અનુભવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ પોતાની રૂચિ, ક્ષમતા અને ઉપલબ્ધ તકોને ધ્યાનમાં રાખીને કારકિર્દી પસંદ કરવી જોઈએ.

પ્રોફેસરોએ જણાવ્યું હતું કે, આજના સમયમાં પરંપરાગત કોર્સીસ ઉપરાંત ડિઝાઇન, મેનેજમેન્ટ, આઈટી, હેલ્થકેર, ફાયનાન્સ, કમ્યુનિકેશન તેમજ સ્કિલ આધારિત કોર્સિસસમાં પણ વિશાળ તકો ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓએ માત્ર ડિગ્રી મેળવવા સુધી મર્યાદિત ન રહી, પરંતુ પ્રેકિટકલ જ્ઞાન, કોમ્યુનિકેશન સ્કિલ્સ અને ટેકનોલોજીનો ઉપયોગ શીખવો અત્યંત જરૂરી છે. વનિતા વિશ્રામ વુમન યુનિવર્સિટીના પ્રોફેસરોએ વાલીઓને પણ અપીલ કરી હતી કે, તેઓ પોતાના બાળકો પર પોતાની ઈચ્છાઓ લાદવાના બદલે તેમની પ્રતિભાને સમજીને યોગ્ય માર્ગદર્શન આપે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાથી વિદ્યાર્થીઓના ભવિષ્યને મજબૂત બનાવી શકાય છે. ચેમ્બર ઓફ કોમર્સના એજ્યુકેશન એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરના ચેરમેન શ્રી મહેશ પમનાણીએ સ્વાગત સંબોધન કરી ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ પ્રશ્નો પૂછીને પોતાની શંકાઓનું નિરાકરણ મેળવ્યું હતું અને નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા તેમના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપવામાં આવ્યા હતા.