Voice of Surat

મતદારયાદીમાં નામ કપાતા મતદાતાઓ મતદાનથી વંચિત!

Posted On: |2 min read
Voice of Surat News

મતદાર યાદી તૈયાર કરતી વખતે કરવામાં આવેલા છબરડાને કારણે મતદાન કરવાથી અનેક લોકો વંચિત રહી ગયા હોવાની વિગતો જાણવા મળી છે. તેમાં પણ શહેરના અનેક વિસ્તારમાં એક જ પરિવારના લોકોએ અલગ અલગ જગ્યાએ મત આપવા માટે જવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. મતદાર યાદી બનાવવામાં કલેક્ટર અને પાલિકા તંત્ર દ્વારા રીતસરની વેઠ ઉતારવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે. કારણ કે જે મતદાન કેન્દ્ર પર જઈને મતદાતાઓએ એસઆઇઆરની કામગીરી કરાવી હોય તેવા મતદાતાઓએ મત આપવા માટે અલગ જગ્યાએ જવું પડે તેવા છબરડા વાળ્યા છે. જયારે કેટલીક જગ્યાઓ પર તો પોતાના ઘરથી એક કિલોમીટર દૂર મત આપવા જવું પડે તેવી સ્થિતિ ઊભી થઇ છે. તેમાં પણ ખાસ કરીને કોટ વિસ્તાર, રાંદેર, પાલનપોર, કતારગામ સહિતના વિસ્તારમાં આવી સ્થિતિ ઊભી થઇ છે. જ્યારે ઓનલાઇ ન તપાસ કરવામાં આવે તો કેટલાક લોકોના વોર્ડ જ બદલાઈ ગયા હોવાની વિગતો જાણવા મળી છે. જયારે હકીકતમાં બીએલઓ દ્વારા જ્યારે એસઆઇઆરની કામગીરી કરી ત્યારે તેઓએ સોસાયટી પણ બદલી નાંખી હોવાના કારણે આવી સ્થિતિનું નિર્માણ થયાનું જાણકારો કહી રહ્યા છે. જેથી ઉતાવળમાં તૈયાર કરવામાં આવેલી મતદાર યાદીને કારણે મહાનગરપાલિકાની ચૂંટણીમાં અનેક મતદાતાઓ મતદાન કરવાથી વંચિત રહી ગયા હોવાનુું જાણવા મળે છે.

મતદાર હેલ્પલાઇન નંબર પણ બંધ!
ચૂંટણીમાં મતદારને જ્યારે બુથ શોધવામાં કે નામ શોધવામાં તકલીફ પડે તેવા સંજોગોમાં હેલ્પલાઇન પર મદદ માંગવામાં આવે તો તેના થકી ઝડપથી પ્રક્રિયા પાર પાડી શકાય તે માટે અનેક લોકોએ ફોન કર્યા હતા. પરંતુ સમગ્ર દિવસ દરમિયાન હેલ્પલાઇન નંબર બંધ જ રહ્યો હતો. તેમાં સતત એવો મેસેજ આવતો હતો કે ધીસ નંબર ઇસ ઓલરેડી સસ્પેન્ડેડ, જેથી મતદાર હેલ્પલાઇન નંબર શોભાના ગાંઠિયા સમાન પુરવાર થયો હતો.મતદારને મતદાન કરવામાં કોઇ તકલીફ પડે તે માટે ૧૯૫૦ નંબરથી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી.