20 દિવસના લગ્નજીવનમાં વર્ષોથી ચાલતા કેસનો નિકાલ

20 દિવસના લગ્નજીવનથી છુટા થઇને પાછલા ચાર વર્ષથી કોર્ટના ચક્કર ખાતુ એક દંપત્તિ એક બીજા સામે કરેલા કેસનો સુખદ નિકાલ એડવોકેટ મારફતે થયો હોવાનું જાણવા મળે છે.
અનેક જન્મોના અંતે મળેલા માનવજીવનને કોર્ટ કચેરીના ચક્કરમાં વેડફી નંખાઇ નહીં. જિંદગી બહુ લાંબી છે અને સુખી જીવન જીવવા માટે કંઇક જતું પણ કરવું પડે. મીડિએટર દ્વારા સમજાવાયેલી આ વાતને માનીને માત્ર ૨૦ દિવસના લગ્નજીવનથી છૂટા પડીને ચાર વર્ષથી કોર્ટના ચક્કર ખાતુ એક દંપતી એકબીજા સામે કરેલા કેસો પરત ખેંચ્યા હતા. અને લગ્ન સમયે જે દર-દાગીના એકબીજાને સોંપીને મીડિએશન સેન્ટરમાં છૂટાછેડા લેવાનું નક્કી કર્યું હતું. આ કારણે નકારાત્મક પરિણામમાં પણ સમાજમાં એક સકારાત્મક આવ્યો હતો.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર સુરત શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી કાજલના લગ્ન પાંચ વર્ષ પહેલા અમદાવાદમાં રહેતા હિતેશ (બંને નામો બદલ્યા છે)ની સાથે થયા હતા. લગ્ન સમયે કાજલ અને હિતેશના પરિવારે ભેટ-સોગાદ સ્વરૂપે દર-દાગીના અને રોકડ રકમ પણ એકબીજાને આપી હતી. લગ્ન થયાના માત્ર ૨૦ દિવસમાં જ આ દંપતી વચ્ચે ઝઘડાઓ શરૂ થયા હતા. સુખી-સંપન્ન આ પરિવારમાં એટલા મોટા ઝઘડાઓ થયા કે કાજલ ૨૦ દિવસ બાદ પોતાના પિયરમાં આવી હતી અને ત્યારબાદ હિતેશની સામે કોર્ટ કેસ કર્યો હતો. આ સાથે જ હિતેશે પણ કાજલની સામે ફેમિલી કોર્ટમાં કેસો કર્યા હતા. ચાર વર્ષના સમયગાળામાં બંનેએ એકબીજાની સામે ત્રણથી ચાર જેટલા મેટ્રોમોનીયલના કેસો કર્યા હતા. અલગ અલગ કોર્ટમાં ચાલતી આ મેટરને બે વાર મીડિએશન સેન્ટરમાં મોકલવામાં આવી હતી અને દરેક વખતે ચારથી પાંચ જેટલી સીટિંગો થઇ હતી પરંતુ કોઇ સમાધાન થયું ન હતું. આખરે આ મેટરને લોકઅદાલતના કેસોના નિકાલ અર્થે પ્રિ-કન્સિલેશન સેન્ટરમાં મોકલવામાં આવી હતી. જેમાં પક્ષકારો અને તેઓના વકીલને હાજર રાખીને અરજદારને બોક્સમાં મૂકવાની તૈયારી થતી હતી તે વખતે જ ન્યાયાધીશ દ્વારા પક્ષકારોને એક છેલ્લી તક આપવામાં આવી હતી. ત્યારબાદ અરજદારના વકીલ અર્નિશ ખ્યાલી તેમજ સામેવાળાના વકીલ શૈલી શાહ મીડિએશન સેન્ટરમાં વધુ એકવાર મિટિંગ માટે ગયા હતા. જ્યાં મીડિએટર આઈ.પી.જોબનપુત્રા (બકુલભાઈ)એ બંને પક્ષકારોને સમજાવતા કહ્યું હતું કે, માનવજીવન અનેક જન્મોના અંતે મળે છે અને આવા સુખી જીવનને કોર્ટ કચેરીમાં વેડફી નંખાઈ નહીં. આ જીવનને આનંદમય રીતે જીવવું હોય તો થોડું જતું કરવું પડે અને મોટું મન રાખવું પડે. જીવન બહુ લાંબું છે. કોર્ટ કચેરીના તમામ કેસોનો નિકાલ થશે તો જ સુખી જીવન જીવી શકાય. પોલીસ કેસો કરવા એ સજ્જન લોકોનું કામ નથી. આ વાતને ધ્યાને રાખીને બંને પક્ષકારો સમાધાન માટે આગળ આવ્યા હતા અને બંનેએ લગ્નજીવન સમયે જે કોઇ કર-દાગીના એકબીજા પક્ષકારને આપ્યા હોય તે પરત મેળવીને કેસોનો નિકાલ કરી છૂટા પડયા હતા. આવી રીતે નકારાત્મક પરિણામમાં પણ સકારાત્મક પરિણામ આવ્યું હતું.

