Voice of Surat

સારંગપુરમાં જર્જરિત ટાંકીમાંથી પાણીનો સપ્લાય બંધ કરાતા લોકો પરેશાન

Posted On: |1 min read
Voice of Surat News

અમદાવાદ શહેરના સારંગપુર વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી સ્થાનિક રહીશોની સુરક્ષા અને પાણી પુરવઠાની સલામતીને ધ્યનમાં રાખીને તંત્ર દ્વારા ટાંકીને પાણીનો સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે સારંગપુર વિસ્તારના લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.

છેલ્લા 5 દિવસમાં 350 ટેન્કરથી પાણી અપાયું

જર્જરિત ટાંકીમાંથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્રએ સાવચેતીના ભાગરૂપે ટાંકીને નિષ્ક્રિય કરી દીધી છે. હાલ સારંગપુર વિસ્તારમાં પંપ લગાવીને નીચેની લાઈનથી સીધો પાણીનો સપ્લાય કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, જ્યાં પાણીનો પૂરતો પ્રેશર ન પહોંચતા હોય તેવા વિસ્તારોમાં લોકોને હાલાકી ન પડે તે માટે ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા પાંચ દિવસમાં જ તંત્ર દ્વારા આશરે 350 ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવ્યું છે.

ટૂંક સમયમાં નવી ટાંકી બનાવવાની કામગીરી કરાશે

સારંગપુરની આ જર્જરિત ટાંકીની સ્થિતિ અંગે લાંબા સમયથી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. હવે તંત્ર દ્વારા આ સમસ્યાના કાયમી નિવારણ માટે પગલાં લેવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ટૂંક સમયમાં જ સારંગપુરમાં નવી પાણીની ટાંકી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. નવી ટાંકીનું નિર્માણ થયા બાદ આ વિસ્તારમાં પાણી પુરવઠાની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે અને લોકોને પૂરતા પરેશાન સાથે નિયમિત પાણી મળી રહેશે.