રાત્રે ડિનર માટે ઓછી મહેનતમાં બનાવો દૂધીના ચીલાની આ વાનગી

બાળકોને મોટાભાગે પિઝા અને પનીરમાંથી બનતી વાનગી ભાવે છે. રોજિંદા આહારમાં પણ તેઓ સાદા શાકભાજીના બદલે ગ્રેવીવાળા શાક ખાવાનું પસંદ કરે છે. બહુ ઓછા બાળકોને દૂધીનું શાક પસંદ આવે છે. અને દરેક વખતે તમે બાળકોને દૂધીમાંથી બનતો હલવો ના બનાવી શકો. દૂધીમાં પણ અનેક પોષકતત્વો રહેલા છે. આવી સ્થિતિમાં તમારે બાળકોને દૂધી ખવડાવી હો તો આ નવી રીતે તેમને ભોજનમાં આપી શકો છો.
દૂધીના થેપલા, દૂધીના મૂઠિયાની વાનગી તમે સાંભળી હશે. પરંતુ આજે તમને દૂધીમાંથી એક નવી વાનગીની રેસીપી શેર કરી રહ્યા છીએ. રાત્રિના ડિનરમાં તમે ઓછી સામગ્રીમાં દૂધી ના ચીલાની વાનગી આ બનાવો. આ વાનગી બનાવવા તમારે વધુ ઝંઝટ પણ નહી લાગે.
દૂધીના ચીલા બનાવવા માટેની સામગ્રી: લીલા મરચાં અને કોથમીર, આદું, હળદર, લાલ મરચું અને સ્વાદ મુજબ મીઠું અને ખીરું બનાવવા જરૂરિયાત મુજબ પાણી.
- 1 કપ દૂધી (છીણેલી)
- 1કપ ચણાનો લોટ
- 1 ટી. સ્પૂન અજમો
- તેલ - તળવા માટે
દૂધીના ચીલા બનાવવા માટેની રીત :
આ ચીલા બનાવવા માટે સૌ પ્રથમ દૂધીને ધોઈ તેની છીણી વડે છીણી લો. આખી દૂધી છીણી લો બાદમાં તેમાંથી વધારાનું પાણી એક વાસણમાં કાઢી લો. હવે એક બાઉલમાં ચણાનો લોટ લો અને પછી તેમાં છીણેલી દૂધી અને મસાલો કરો. તમે આ ખીરાના મિશ્રણમાં લીલા મરચાં, આદુ, લીલા ધાણા, હળદર, લાલ મરચું નાખો. પછી ધીરેધીરે તેમાં જરૂરિયાત મુજબ પાણી નાખતા જાવ. આ ખીરું ના તો ખૂબ પાતળું અને ના તો ખૂબ જાડું હોવું જોઈએ. આ ખીરાને એક ચમચા વડે નોનસ્ટીકમાં ઢોસાની જેમ પેનમાં ફેલાવો. પછી આ ચીલાના પડને બંને બાજુ ધીમા તાપે શેકો. એક બાજુ સોનેરી થઈ જાય, ત્યારે તેને પલટાવીને બીજી બાજુ પણ શેકી લો. બંને બાજુ ક્રિસ્પી થાય તે રીતે શેકો. તૈયાર થઈ ગયા તમારા દૂધીના ચીલા. આ ચીલાને તમે કોથમીર-ફુદીનાની ચટણી, ટામેટાની ચટણી અથવા દહીં તીખારી સાથે ખાઈ શકો છો.
તમે ઈચ્છો તો દૂધીના આ ચિલ્લામાં મેથી અને પાલકની ભાજી પણ ઉમેરી શકો છો. આ ઉપરાંત ચીલા વધુ ટેસ્ટી બનાવવા ચાટ મસાલો, મેગી મસાલો અથવા કસૂરી મેથી પણ ઉમેરી શકો છો.