Voice of Surat

પ્રમોશનના નામે પબ્લિકને છેતરવાના સ્ટંટ કરીને વ્યૂઅરશિપ મેળવતાં કલાકારો

Posted On: |2 min read
Voice of Surat News

થોડા સમય પહેલાં ઇન્ફ્લુઅન્સર અને સ્ટેન્ડઅપ કોમેડિયન કુશા કપિલાને મિસ્ટ્રી મેન સાથે લંચ કરતાં જોવાઇ ત્યારે બધાએ સોશિયલ મીડિયા ઉપર એવી વાતો ફેલાવવાની શરૂ કરી દીધી હતી કે એ કોઇને ડેટ કરી રહી છે. એણે જાતે જ આ ફોટા વાઇરલ કરવા માટે પાપારાઝીને પોતાનું લોકેશન જણાવ્યું હતું. ઇન્ટરનેટ ઉપર કુશા અને એ મિસ્ટ્રીમેનના સંબંધ વિશે અનેક વાતો થઇ. પછી ખબર પડી કે કુશા એક અન્ડરગારમેન્ટની બ્રાન્ડને એન્ડોર્સ કરી રહી છે એના પ્રમોશન માટે આ પબ્લિસિટી સ્ટન્ટ હતો.

કુશાવાળો કિસ્સો હજી માંડ શમ્યો જ હતો ત્યાં સિંગર એ.પી. ઢિલ્લોન અને તારા સુતરિયાના કોઝી ફોટા વાઇરલ થયા. આ ફોટામાં બંને કપલ હોય એ રીતે એકબીજા સાથે ફરતાં અને બેઠેલાં નજરે ચઢતાં હતાં. આ ફોટા પછી ફરી ઇન્ટરનેટ ઉપર જ્વાળા ભભૂકી અને આદર જૈન બાદ ફાઇનલી તારા કોઇને ડેટ કરી રહી હોવાની વાતો વાયુવેગે ફેલાવા લાગી. એમાંય એ.પી. ઢિલ્લોનનું ફેન ફોલોઇંગ એટલું વધારે છે કે બધા તારા અને એ.પી.ને અભિનંદન પણ આપવા લાગ્યા. ઘણાએ તો એ.પી.ને એવી સલાહ પણ આપી દીધી કે તું આદર જૈન જેવું ન કરતો અને તું તારાનું દિલ ન તોડતો. એકંદરે તારા-એ.પી.ની જોડીથી બધા ખુશ હતા, પણ એ સમાચાર અફવા જ નીકળી. સમય જતાં બધાને ખબર પડી કે એ બંને એકબીજા સાથે સંબંધમાં નથી, પણ એ તો એમના રોમેન્ટિક આલ્બમના પ્રમોશન માટે ફોટા વાઇરલ કરાયા હતા.

એ ઘટના પછી આશિષ ચંચલાની અને એલી અવરામની પણ સેમ ઘટના બની. બંનેએ સોશિયલ મીડિયામાં કપલ ફોટો મૂકીને ફાઇનલી લખ્યું. એ સમયે પણ બધાએ અભિનંદન પાઠવ્યાં અને ઘણા તો એલીના કેરેક્ટર સુધી જઇને આશીષને એવી સલાહ આપવા માંડ્યા કે એલી તારા માટે યોગ્ય નથી. એ પૈસા લૂંટીને જતી રહેશે અને તું રડતો રહી જઇશ.

આ પ્રકારની ઓડિયન્સને ઉલ્લુ બનાવવાની પબ્લિસિટી ખરેખર કેટલી વાજબી ગણાય? જે ઓડિયન્સ તમને પ્રેમ કરે છે, જે ઓડિયન્સ તમને ટોચ ઉપર લાવે છે, એને જ ઉલ્લુ બનાવીને તમે શું સાબિત કરવા માંગો છો? આ બધાં સેલેબ્સ એવું નથી વિચારતાં કે કામને પ્રમોટ કરવાના બીજા સો રસ્તાઓ છે. એને આવું ખરાબ રીતે પ્રમોટ કરીને એ લોકો દર્શકોની નજરમાં નીચા પડવાનું કામ કરે છે. એક સમય હતો જ્યારે પ્રમોશનનો પણ એક ક્લાસ રહેતો, હવે આ સસ્તા સેલિબ્રિટીઝ એ ક્લાસ ગુમાવતા જાય છે. ગમે તેમ કરીને ચર્ચામાં રહેવું અને વ્યૂઅરશિપ વધારવી એ જ એજન્ડા સાથે ધડમાથા વગરનાં પ્રમોશન કરવામાં આવે છે.