ભૂમિકા નાની કે મોટી નથી હોતી, અભિનય મહત્ત્વનો હોય છે અનીત પડ્ડા

ગત 18 જુલાઇના રોજ રિલીઝ થયેલી ફિલ્મ `સૈયારા'એ ભારતભરની બોક્સ ઓફિસ બ્રેક કરી દીધી છે. આ ફિલ્મને નેટિજન્સે ખૂબ જ આવકારી છે. આ ફિલ્મના કપલને સિનેલવર્સ ખૂબ જ ચાહી રહ્યા છે. ફિલ્મના લીડ રોલમાં અનીત પડ્ડા અને અહાન પાન્ડેએ પોતાના 100 ટકા આપ્યા છે. આ બંને પાત્રોને ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ પણ વધાવ્યાં છે. આશ્ચર્યની વાત એ છે કે, આ ફિલ્મની એક્ટ્રેસ અનીત પડ્ડાને તો નવી ફિલ્મોની ઓફર્સ પણ અન્ય ફિલ્મમેકર્સ દ્વારા આવવા પણ લાગી છે.
અનીત પડ્ડાનું ફિલ્મી ડેબ્યૂ
અનીત પડ્ડા એટલા ચર્ચામાં ન રહ્યાં જેટલાં તેઓ તેમની એક્ટ્રેસ તરીકેને ડેબ્યૂ ફિલ્મ `સૈયારા'થી ચર્ચામાં રહ્યાં. ઘણા ઓછા લોકોને ખબર હશે કે, તેમણે વર્ષ 2022માં જ એક્ટ્રેસ કાજોલ અને એક્ટર વિશાલ જેઠવા સાથેની ફિલ્મ `સલામ વેન્કી'થી પોતાના અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેમણે નંદિની નામની શ્રેષ્ઠ ભૂમિકા ભજવી હતા. આ ફિલ્મ કર્યા બાદ તેમણે નિત્યા મહેરાની એક વેબ સીરિઝ પણ કરી હતી, જેનું નામ `બિગ ગર્લ્સ ડોન્ટ ક્રાઈ' હતું. આ વેબ સીરિઝમાં તેમણે રૂહી આહુજાની ભૂમિકા ભજવી હતી. આ બંને પ્રોજેક્ટમાં અનીત પડ્ડાના રોલ નાના હતા, પણ દમદાર હતા. એક ઈન્ટરવ્યૂમાં અનીત પડ્ડાએ જણાવ્યું હતું કે, `મને ભલે ફિલ્મોમાં કે વેબ સીરિઝમાં ટુકડો ભૂમિકા મળે છે, પરંતુ એ જ ટુકડો ભૂમિકા મને આગળ જઇને મોટી ભૂમિકા અપાવશે. મારો કહેવાનો મતલબ છે કે, ફિલ્મ સીરિઝમાં નાની-નાની ભૂમિકાઓ જ આગળ જઇને તમને મોટી ભૂમિકા આપે છે! ભૂમિકા નાની કે મોટી નથી હોતી, અભિનય મહત્ત્વનો હોય છે' આખરે અનીત પડ્ડાની વાત સાચી પણ પડી. ફિલ્મ `સૈયારા'માં તેમની મોટી ભૂમિકા છે અને નેટિજન્સ પ્લસ સિને લવર્સે તેમની આ ભૂમિકાને ખૂબ વખાણી છે અને બોક્સ ઓફિસ છલકાવી રહી છે.
સપનું સાકાર થયું
અનીત પડ્ડાને સાચે જ વિશ્વાસ નથી આવતો કે તેમની ફિલ્મે બોક્સ ઓફિસ બ્રેક કરી છે અને તેમનું સપનું સાકાર થયું છે. તેમણે તાજેતરમાં જ એક થિયેટરમાં ચાલી રહેલા ઈન્ટરવ્યૂમાં તેમના ચાહકોનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે, `ઘણીવાર તમે રોજ જોયેલાં સપનાં સાચાં થઇ જાય ત્યારે તમને વિશ્વાસ નથી જ આવતો કે અરે! આ સપનું સાકાર થઇ ગયું.' તેમણે તેમની વાત આગળ વધારતાં સ્મિતપૂર્વક જણાવ્યું હતું કે, `જો તમને નાની વયે સફળતા મળે છે તો તમને હજી વધુ સફળતાની ભૂખ લાગે છે. જે સફળતા મેળવતા લોકોને દશક લાગે છે અને તે જ સફળતા તમને શરૂઆતનાં બે-ત્રણ વર્ષમાં જ મળી જાય છે તો સમજો તમારી પર ભગવાન મહેરબાન છે અને તમારી મહેનત પણ રંગ લાવી છે.' વાતના અંતે તેમણે જણાવ્યું હતું કે, `ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ક્યારે કઇ ફિલ્મ હિટ જશે તે કહી શકાતું નથી. ઘણીવાર ખૂબ જ સુંદર સ્ટોરી પણ પિટાઇ જાય છે અને સામાન્ય સ્ટોરી બોક્સ ઓફિસ છલકાવી દે છે. હું સાચે જ નસીબદાર છું અને મારા પર ભગવાન મહેરબાન છે કે, મારી ફિલ્મ આજની જનરેશનને ખૂબ જ પસંદ પડી રહી છે.'
સોશિયલ મીડિયા અને `સૈયારા ગર્લ'
આજે સોશિયલ મીડિયા પર અનીત પડ્ડાની ફિલ્મ `સૈયારા'ની વીડિયો ક્લીપ્સ, શોર્ટ અને રીલ્સ ફરતી જોવા મળે છે. ઘણા નેટિજન્સે તો અનીત પડ્ડાના ફેન ક્લબનાં પેજ પણ બનાવી દીધાં છે. થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામમાં અનીત પડ્ડાના અંદાજિત 37 હજાર જેટલા ફોલોઅર્સ હતા, જે વધીને 9 લાખ 27 હજાર થઇ ગયા અને તેમાં પણ હવે ક્રમશઃ વધારો થઇ રહ્યો છે. નોંધનીય છે કે, અનીત અત્યાર સુધી જેટલી પણ એડ, ફિલ્મ અને વેબ સીરિઝમાં કામ કરેલું છે તેની રીલ્સ સોશિયલ મીડિયા પેજ ઈન્સ્ટાગ્રામમાં અપલોડ કરે છે! મૂળ તેમની આ ફિલ્મ બાદ તેમને નેટિજન્સ `સૈયારા ગર્લ' તરીકે ઓળખાવે છે અને તેમના ફોટોગ્રાફ્સને પણ સૈયારા ગર્લ કહીને જ સંબોધે છે. અનીત પડ્ડાએ જણાવ્યું કે, `મને લોકો હવે `સૈયારા ગર્લ' તરીકે બોલાવી રહ્યા છે ત્યારે મને ખૂબ ગમે છે.'