19 વર્ષની યુવતી ચલાવી રહી હતી ISનું નેટવર્ક, સુરક્ષા એજન્સીઓના દરોડામાં થયો પર્દાફાશ

સુરક્ષા એજન્સીઓએ ઉઝબેકિસ્તાનના નામાંગન શહેરમાં એક પછી એક શંકાસ્પદ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. ત્યારે તેઓએ આ કાર્યવાહી પાછળનું સૌથી મોટું નામ કોઈ મોટી ઉંમરના આતંકવાદીનું નહીં, પરંતુ 19 વર્ષની છોકરીનું સામે આવ્યુ હતુ. ધાર્મિક શાળામાં અભ્યાસ કરતી આ યુવતી મોબાઇલ એપ્સ અને સોશિયલ મીડિયા દ્વારા આતંકનું નેટવર્ક વધારી રહી હતી.
ઓનલાઇન તાલીમથી ચાલતુ હતુ નેટવર્ક
રાજ્ય સુરક્ષા સેવા દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે આ છોકરી ઇસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંત માટે 120થી વધુ લોકોનું સંગઠિત સેલ ચલાવી રહી હતી. આ નેટવર્ક ફક્ત કટ્ટરપંથી વિચારો જ નહી પણ બોમ્બ બનાવવા જેવી ખતરનાક તકનીકોને ઓનલાઇન તાલીમ પણ આપી રહ્યું હતું. સુરક્ષા એજન્સીઓને માહિતી મળી હતી કે મોબાઇલ નેટવર્કિંગ દ્વારા એક નવું કટ્ટરપંથી જૂથ ઉભરી રહ્યું છે. દરોડા પડતાની સાથે જ ડઝનબંધ મોબાઇલ ફોન, જેહાદી સાહિત્ય અને સંવેદનશીલ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. પરંતુ આ સમગ્ર સેલનું નેતૃત્વ એક કિશોરી કરી રહી હતી. તે જાણીને સૌ કોઇ દંગ રહી ગયા હતા. જેણે થોડા વર્ષો પહેલા ઇસ્તંબુલની એક ખાનગી ઇસ્લામિક શાળામાં અભ્યાસ કર્યો હતો. તેના વિચારોમાં મોટો ફેરફાર થયો અને તે સીધી ISKPના સંપર્કમાં આવી હતી.
120 લોકો નેટવર્કમાં જોડાયા
આ યુવતીએ ટેલિગ્રામ જેવી એપ્સનો ઉપયોગ કરીને ધીમે ધીમે 120 લોકોને તેના નેટવર્ક સાથે જોડ્યા હતા. આ લોકો ક્યારેય એકબીજાને રૂબરૂ મળ્યા નથી. પરંતુ મોબાઇલ પર તાલીમ અને સંદેશાઓ દ્વારા ISKPની વિચારધારાનો પ્રચાર કરતા રહ્યા હતા. આ સમગ્ર યોજના એવી રીતે બનાવવામાં આવી હતી કે કોઈ પણ સરળતાથી પકડી શકાય નહીં. અધિકારીઓએ અત્યાર સુધીમાં આ નેટવર્કના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે અને બાકીના લોકોની શોધ ચાલુ છે. એવું માનવામાં આવે છે કે આ લોકોને માત્ર કટ્ટરપંથી વિચારો જ નહીં પરંતુ શસ્ત્રો અને વિસ્ફોટકો બનાવવાની ટેકનોલોજી પણ આપવામાં આવી રહી હતી.