Botad News: ગઢડાનાં મોટા સખપર ગામે બે જૂથ વચ્ચે ધીંગાણું, ચાર લોકો ઘાયલ

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મોટા સખપર ગામે બે જૂથો વચ્ચે રેતી ભરવાની સામાન્ય બાબત પરથી થયેલી માથાકૂટમાં મારામારી થઈ. આ અથડામણમાં ચાર જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે. સુત્રોના જણાવ્યા મુજબ, કેટલાક લોકોએ એક થાર કારના કાચ પણ તોડીને નુકસાન પહોંચાડ્યું હતું.
રેતી બાબતે બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું
બોટાદના ગઢડા તાલુકાના મોટા સખપર ગામે બે જૂથો વચ્ચે રેતી ભરવા જેવી સામાન્ય બાબત પરથી ઝઘડો થયો હતો, જેણે ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું. બંને જૂથો વચ્ચે થયેલી મારામારીમાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ મારામારી દરમિયાન લોકોએ એકબીજા સાથે મારામારી તો કરી જ, પરંતુ બહાર પાર્ક કરેલી એક થાર ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થિતિને કાબૂમાં લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મારામારીમાં ઘાયલ થયેલા ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
અગાઉ પણ ગોંડલમાં બની હતી આવી ઘટના
આવી જ એક ઘટના અગાઉ ગોંડલ તાલુકાના ભુણાવા ગામે પણ બની હતી. જ્યાં ધંધાકીય બાબતે થયેલી જૂની માથાકૂટનો ખાર રાખીને ફરી બે જૂથો વચ્ચે ધોકા, પાઈપ અને છરી વડે મારામારી થઈ હતી. તે સમયે બંને પક્ષના કુલ છ લોકો ઘાયલ થયા હતા અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તાલુકા પોલીસે બંને પક્ષના 15 શખ્સો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.