લાંચ : પનાસના મામલતદાર મહેન્દ્ર પટેલને બે વર્ષ કેદની સજા

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં ખરીદવામાં આવેલ પ્લોટ ઉપર ઈ-ધારામાં એન્ટ્રી કરવા માટે ૩ હજારની લાંચ માંગનારા પનાસ મામલતદાર મહેન્દ્ર પટેલને કોર્ટે તકસીરવાર ઠેરવીને ર વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર રાંદેરના રામનગર પાસે શ્રીજી કોમ્પલેક્ષમાં રહેતો મહેન્દ્રભાઈ દલપતભાઈ પટેલ સને-૨૦૧૧માં પનાસ મામલતદાર કચેરીમાં કામ કરતા હતા. આ દરમિયાન એક વ્યક્તિએ લિંબાયત વિસ્તારમાં પોતાની પત્નીના નામે પ્લોટ ખરીદ્યો હતો અને તેની એન્ટ્રી ઇ-ધારામાં નોંધવાની હતી. ઈ ધારામાં ખરીદેલા પ્લોટમાં પહેલા ખરીદનાર અને માલિક તરીકે ચંદ્રિકાબેન હતા અને તેમની જગ્યાએ મુળ ફરિયાદીએ નામ બદલીને પોતાનું નામ નોંધવવા માટે અરજી કરી હતી. ત્યારે પનાસ મામલતદાર મહેન્દ્ર પટેલે આ એન્ટ્રી કરવા માટે રૂા.૩ હજારની લાંચ માંગી હતી. ફરિયાદીએ લાંચ આપવાની ના પાડતા જ તેઓને માનસિક હેરાન કરાયા હતા. આખરે ફરિયાદીએ લાંચ આપવાનું કહીને સમય નક્કી કરાયો હતો આ સાથે જ એસીબીમાં ફરિયાદ કરી દેવાઈ હતી. એસીબીએ લાંચ સમયે છટકુ ગોઠવીને મહેન્દ્ર પટેલને ૩ હજારની લાંચ લેતા રંગેહાથ પકડી પાડયા હતા. આ કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ વિશાલ ફળદુ દ્વારા દલીલો કરાઈ હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપી મહેન્દ્ર પટેલને તકસીરવાર ઠેરવીને ૨ વર્ષની કેદની સજા તેમજ ૫ હજારનો દંડ કરતો હુકમ કરાયો હતો. કોર્ટે પોતાના ચૂકાદામાં નોંધ્યું હતું કે, હાલના સમયમાં ભષ્ટાચાર માત્ર શાસન વ્યવસ્થાને જ નહીં પરંતુ ભારતીય લોકતંત્ર અને કાયદાના શાસનની મૂળભુત આધારશિલાને પણ સંકટમાં મુકે છે. જાહેર જીવનમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ વધ્યું છે અને તે આર્થિક વ્યવસ્થાને પણ નુકસાન પહોંચાડે છે, તેમ ટાંકીને કોર્ટે આરોપી મહેન્દ્ર પટેલને તકસીરવાર ઠેરવીને ૨ વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હોવાનું જાણવા મળે છે.

