Godhra ITI કોલેજના નવીન બિલ્ડિંગમાં લિફ્ટ ખોટકાઇ, મહિલા કર્મચારીનું ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યું

ગોધરા શહેરમાં આવેલી ITI કોલેજના નવીન બિલ્ડિંગમાં આજે એક ગંભીર ઘટના બની હતી. જેમાં કોલેજના બિલ્ડીંગની લિફ્ટ બંધ પડી ગઈ હતી. આ લિફ્ટ બંધ પડી જતા તે લિફ્ટમાં એક મહિલા કર્મચારી ફસાયા હતા. સમગ્ર ઘટના દરમિયાન કોલેજમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રથમ માળે લિફ્ટ અચાનક બંધ પડી ગઈ હતી
મળતી માહિતી મુજબ, ITI કોલેજના પ્રથમ માળે લિફ્ટ અચાનક બંધ પડી ગઈ હતી. આ બંધ પડેલી લિફ્ટમાં એક મહિલા કર્મચારી ફસાઈ ગયા હતા. લિફ્ટ બંધ થતાજ મહિલા કર્મચારીએ મદદ માટે બૂમાબૂમ મચાવી હતી. જેના કારણે કોલેજમાં હાહાકાર મચી ગયો હતો. સમગ્ર ઘટના મામલે કોલેજ સ્ટાફ દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરવિભાગને જાણ કરીન મહિલાની મદદ કરવાના પ્રયત્નો શરૂ કરી દીધા હતા.
સદનસીબે મહિલા કર્મચારીને કોઈ ઈજા પહોંચી નહોતી
ફાયર બ્રિગેડને જાણ થતાં જ ફાયર બ્રિગેડ તાત્કાલિક પણે ITI કોલેજ ખાતે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમે ઝડપથી કાર્યવાહી કરીને ફસાયેલી મહિલા કર્મચારીને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા. સદનસીબે, આ ઘટનામાં મહિલા કર્મચારીને કોઈ ઈજા પહોંચી નહોતી. કોલેજના નવીન બિલ્ડિંગમાં લિફ્ટ ખોટકાઈ જવાનો આ બનાવ લિફ્ટની જાળવણી અને સુરક્ષાના મુદ્દે પ્રશ્નાર્થ ઊભા કરે છે.