વિચારણાઃ પ્રેમલગ્ન નોંધણીના માટે તલાટીને બદલે વર્ગ-રના અધિકારીને સત્તા સોંપાશે

પ્રેમલગ્નના કિસ્સામાં થતી છેતરપિંડી, શોષણ અને બ્લેકમેઈલના કિસ્સા અટકાવવા ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ-૨૦૦૬ હેઠળના નિયમો અને પ્રક્રિયામાં ફેરફાર થઈ શકે છે. વિવિધ સામાજીક સંસ્થાઓની રજૂઆતો બાદ ગુજરાત સરકારે કાયદાવિદ્દો સાથે પરામર્શ શરૂ કર્યો છે. જેમાં હાલમાં જે રીતે તલાટી સ્તરે આડેઘડ લગ્ન નોંધણી થાય છે તેમાં ચકાસણી માટે વર્ગ-૨ના અધિકારીને અધિકાર સોંપવાનો પ્રસ્તાવ છે. જે પ્રિ-સ્ક્રુટીની ઓફિસર તરીકે હોઈ શકે છે.
પુખ્તવયે ઘરેથી ભાગીને, સામાજીક રીતે માતા- પિતા કે વાલીની સહમતિ વગર થતા લગ્નના કિસ્સામાં બંને પાત્રો જે ગામ કે શહેર કે ક્ષેત્રના હોય ત્યાં જ નોંધણી અધિકારી સમક્ષ લગ્નની નોંધણી થાય તે દિશામાં નિયમો-પ્રક્રિયા ઘડવા વિચારણા ચાલી રહી છે. પાટીદાર સમાજમાંથી લગ્ન નોંધણી કાયદા અને તેની પ્રક્રિયામાં ફેરફાર કરવા માટે લાંબા સમયથી માંગણી થઈ રહી છે. છેતરપિંડી, બ્લેકમેઈલ અને શોષણ જેવા સામાજીક પડકારો સર્જતા આ સંવેદનશીલ મુદ્દાને પુખ્તવયે ભારતના નાગરીકને મળતા બંધારણિય અધિકારોની મર્યાદામાં પ્રક્રિયાને સુધારવામાં આવશે. કાયદા વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ લગ્ન નોંધણીના એક્ટમાં પ્રક્રિયા- નિયમોને બદલવા માટે ઠરાવ, પરિપત્ર કેજાહેરનામા હેઠળ આખરી ઓપ આપી શકાય છે. તે માટે વિધાનસભામાં જવાની જરૂર નથી. પરંતુ, જો કાયદા હેઠળ સત્તાધિકારોમાં ફેરફાર કરવો હોય તો વિધાનસભામાં વિધેયક રજૂ કરવુ પડશે. વિવિધ સામાજીક સંગઠનો તલાટી દ્વારા લગ્ન નોંધણી આડેઘડ થતી હોવાની રજૂઆતો કરી રહ્યા છે. આથી, સરકાર દ્વારા તલાટી સમક્ષ લગ્ન નોંધણી માટે રજૂ થતા દસ્તાવેજોમાં તેની ચકાસણી અર્થાત વય, પરસ્પર સહમતિ, જ્ઞાતિ-ધર્મ અંગેની સત્યતાના સમર્થન માટે વર્ગ-૨ કક્ષાના અધિકારીને નિયુક્ત કરવાથી લઈને લગ્ન નોંધણીની નોટીસ કચેરીની બહાર મુકવાની સાથે લગ્ન કરનારા પાત્રોના ઘરે પહોંચાડવા જેવી વ્યવસ્થા કાયદાની મર્યાદામાં થઈ શકે છે કે કેમ ? તે અંગે વિચારણા હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, આડેઘડ નોંધણીને કારણે તલાટીઓ દ્વારા ભ્રષ્ટાચારનો કારોબાર ચાલી રહ્યો હોવાનું જાણવા મળે છે.

