સસ્પેન્ડેડ પોલીસ કર્મી સાજન આહીરની ધરપકડ, ગુજસીટોક હેઠળ થશે કાર્યવાહી

વડોદરાના કરજણમાં LCB પોલીસે ઝડપી પાડેલા 1.73 કરોડના દારુ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ કર્મીએ 15 લાખની લાંચ લીધી હોવાનું સામે આવ્યું હતું. LCB પોલીસે ઝડપેલા દારુ કેસમાં SMCના પોલીસ કર્મી સાજન આહિરની બુટલેગર અનીલ ઉર્ફે પાંડીયા સાથે સાંઠગાંઠ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.બુટલેગર અનીલ અને સાજન આહિરની ઓડીયો ક્લિપ પણ પ્રકાશમાં આવી હતી. જેથી તપાસ બાદ પોલીસે સસ્પેન્ડેડ પોલીસ કર્મી સાજન આહિરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બુટલેગર અનીલ અને પોલીસ કર્મી સાજનની ઓડીયો ક્લિપ
સસ્પેન્ડેડ પોલીસ કર્મી સાજન આહિરે લીધેલી 15 લાખની લાંચમાં સંડોવણીની શંકાના આધારે 3 લોકોની પૂછપરછ શરૂ કરાઇ છે. બુટલેગરે 15 લાખ આંગડીયા થકી સાજણ આહીરને મોકલ્યા હતા.બુટલેગર અનીલ અને પોલીસ કર્મી સાજનની ઓડીયો ક્લિપ સામે આવી છે. જેમાં વિજિલન્સ કાર્યવાહી નહી કરે તેવી વાત થઈ રહી છે.બુટલેગર અનિલ વિરુધ્ધ નોંધાયેલા ગુજસીટોકના ગુનામા સાજન આહિરનુ નામ સામેલ કરવામાં આવ્યું છે. પોલીસ કર્મી સાજન આહિર વિરુધ્ધ હવે ગુજસીટોક હેઠળ કાર્યવાહી થશે.
SMCની તપાસમાં પોલીસ કર્મીની સંડોવણી સામે આવી
સ્ટેટ મોનિટરિંગ સેલના સુત્રોએ જણાવ્યું કે, વડોદરા પોલીસ અને SMCની તપાસમાં પોલીસ કર્મીની સંડોવણી સામે આવી હતી.આ અંગે રાજ્યના ડીજી વિકાસ સહાયને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસકર્મી સાજન આહિરને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ કેસમાં ત્રણ લોકોની પુછપરછ ચાલી રહી છે. વધુ ખુલાસો એક બે દિવસમાં થાય તેવી શક્યતાઓ છે.