Kargil Vijay Diwas ના 26 વર્ષ, શૌર્ય, બલિદાન અને આધુનિક ભારતની ગૌરવગાથા

કારગિલ સેક્ટરની વિરાન ટોચો પર જ્યારે સૂર્યની પ્રથમ કિરણ પડે છે, ત્યારે આખો દેશ એ વીર સપૂતોને વંદન કરે છે જેમણે 26 વર્ષ પહેલા ભારતની અખંડિતતા અને સંપ્રભુતા ફરીથી સ્થાપિત કરી હતી. 26 જુલાઈનો દિવસ ભારતના ઇતિહાસમાં "કારગિલ વિજય દિવસ" તરીકે સુવર્ણ અક્ષરે અંકિત છે, જે ભારતીય સેનાના અપ્રતિમ શૌર્ય અને સર્વોચ્ચ બલિદાનનું પ્રતીક છે.
1999 નું કારગિલ યુદ્ધ, એક કસોટીનો સમય
1999 માં થયું કારગિલ યુદ્ધ ભારતના ઇતિહાસમાં સૌથી મુશ્કેલ સંઘર્ષોમાંથી એક હતું. દુશ્મનોએ બરફથી ઢંકાયેલા પહાડો અને વિકટ ભૌગોલિક પરિસ્થિતિઓનો લાભ લઈને દ્રાસ સેક્ટર સહિતના અગત્યના પોઈન્ટો પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી દીધો હતો. ભારતીય સેના સામે ઊંચા અને ખડકાળ પ્રદેશો પરથી દુશ્મનને હાંકી કાઢવાનો અશક્ય લાગતો પડકાર હતો.
આધુનિક ભારતીય સેના
જોકે, ભારતીય સેના દ્વારા ચલાવવામાં આવેલું "ઓપરેશન વિજય" શૌર્ય અને બલિદાનની એક અમર કથા બની. ભારતીય જવાનોએ અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ અડગ રહીને દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યો. એક પછી એક ટોચો પાછી મેળવી, અને અંતે 26 જુલાઈ, 1999 ના રોજ ભારતે કારગિલ પર સંપૂર્ણ વિજય મેળવ્યો, જે આપણા સૈનિકોની અદમ્ય ભાવના અને અપ્રતિમ બહાદુરીનો પુરાવો છે. 1999 ના કારગિલ યુદ્ધ વખતે ભારતમાં સીમિત ટેકનોલોજી હતી પરંતુ આજે 26 વર્ષના ગાળામાં ભારતીય સશસ્ત્ર દળો સંપૂર્ણ રીતે આધુનિક બની ચૂક્યા છે. સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાના પંથે આગળ વધીને ભારતે અત્યાધુનિક હથિયારો, ઉપકરણો અને સુરક્ષા પ્રણાલીઓ વિકસાવી છે.
ઓપરેશન સિંદૂર થકી આપ્યો કડક જવાબ
તાજેતરમાં થયેલા ઓપરેશન સિંદૂરએ સ્પષ્ટપણે સાબિત કરી દીધું છે કે ભારત હવે આતંકી હુમલાનો તરત અને કડક જવાબ આપી શકે છે. ભારતીય દળોએ પાકિસ્તાન નિયંત્રિત કાશ્મીર અને અંદરના વિસ્તારોમાં આતંકના ઠેકાણાંઓ પર મક્કમ અને નિર્ણાયક હુમલો કરીને પોતાની તાકાતનો પરચો આપ્યો છે. આ ઓપરેશન દર્શાવે છે કે ભારત હવે કોઈપણ સરહદી ઉશ્કેરણી કે આતંકવાદી ગતિવિધિઓને હળવાશથી લેતું નથી.
ત્યારે અને અત્યારે, 26 વર્ષમાં કેટલું બદલ્યું ભારત
આજે, 26 વર્ષ પછી જે ટોચો પર ગોળીઓ વરસી હતી આજે ત્યાંથી ભારતફરી વિશ્વને સ્પષ્ટ સંદેશ આપી રહ્યું છે. સરહદો સલામત છે, સેના સતર્ક છે અને વીર શહીદોનો બલિદાન વ્યર્થ નથી ગયું. કારગિલ વિજય દિવસ માટે એક ઐતિહાસિક ઘટના નથી પરંતુ તે ભારતીય સેનાના અદમ્ય સાહસ, દેશભક્તિ અને સર્વોચ્ચ બલિદાનની પ્રેરણા આપે છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે આપણા સૈનિકોના ઋણી છીએ, જેમણે રાષ્ટ્રની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી.
ત્રિ-સેનામાં સંપૂર્ણ એકીકરણ જોવા મળ્યું
સૌથી મહત્વનો ફેરફાર એ છે કે, હવે ત્રિ-સેના (થલસેના, જલસેના અને વાયુસેના) વચ્ચે સંપૂર્ણ એકીકરણ જોવા મળે છે. સંકલિત કાર્યવાહી અને સંયુક્ત યુદ્ધાભ્યાસો દ્વારા ત્રણેય સેનાઓ કોઈપણ પડકારનો સામનો કરવા માટે સક્ષમ બની છે. ભારતીય દળો હવે હાઈબ્રિડ યુદ્ધ, એન્ટી ડ્રોન ઓપરેશન અને માહિતી યુદ્ધ (Information Warfare) જેવી આધુનિક યુદ્ધ પદ્ધતિઓ માટે પણ સંપૂર્ણ રીતે તત્પર છે.