પ્રાચીન મંદિર વિવાદે 26 વર્ષ બાદ ફરી માથું ઊંચક્યું, 15 થી વધુના મોત

થાઈલેન્ડ અને કમ્બોડિયા વચ્ચે 24 જુલાઈ 2025ના રોજ સરહદી વિવાદને કારણે ભીષણ હિંસક અથડામણ શરૂ થઇ છે. બંને દેશો વચ્ચે રોકેટ અને તોપગોળાના ધડાકાઓથી સરહદી વિસ્તારો ગુંજી ઉઠ્યા છે. અત્યાર સુધીમાં આ અથડામણમાં 15 થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે જ્યારે 1 લાખથી વધુ લોકો વિવાદિત વિસ્તારમાંથી સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે.
અમારે કોઈ ત્રીજા પક્ષની જરૂર નથી - થાઈલેન્ડ
આ સંઘર્ષના ગંભીર પરિણામો સ્વરૂપે બંને દેશોએ પોતાના દૂતાવાસો પાછા બોલાવી લીધા છે અને રાજનૈતિક સંબંધો ઘટાડ્યા છે. જે તંગદિલીમાં વધુ વધારો કરી રહ્યું છે. થાઈલેન્ડના વિદેશ મંત્રાલયે કમ્બોડિયા પર સરહદ પર હિંસા શરૂ કરવાનો આરોપ મૂક્યો છે. થાઈલેન્ડે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, અમે કોઈ તૃતીય પક્ષની મધ્યસ્થતા નથી ઇચ્છતા. ઉકેલ દ્વિપક્ષીય રીતે જ શોધવો છે. બીજી તરફ કમ્બોડિયાએ આ મામલે હજુ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. પરંતુ કમ્બોડિયાના PM હુન માનેતએ યુનાઇટેડ નેશન્સ સુરક્ષા પરિષદમાં મદદ માંગી છે. કમ્બોડિયાનો આરોપ છે કે થાઈલેન્ડે પૂર્વનિયોજિત હુમલો કર્યો.
વિવાદનું મૂળ અને તાત્કાલિક કારણ
આ વિવાદનું મૂળ 11 મી સદીમાં ખ્મેર સમ્રાટ સૂર્યવર્મન દ્વારા બનાવવામાં આવેલું પ્રાચીન શિવ મંદિર છે. 1962 માં આંતરરાષ્ટ્રીય ન્યાયાલયે આ મંદિરને કમ્બોડિયાનો ભાગ જાહેર કર્યું હતું. જોકે, મંદિરની આસપાસના 4.6 ચોરસ કિલોમીટર વિસ્તારમાં હવે પણ વિવાદ છે. 2008 માં જયારે આ મંદિરને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ જાહેર કરવામાં આવ્યું ત્યારથી આ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. તાજેતરની હિંસાનું તાત્કાલિક કારણ એક થઈ સૈનિકનું બારૂદી ખાણમાં ઘાયલ થવું છે. થાઈલેન્ડે દાવો કર્યો છે કે, આ ખાણો કમ્બોડિયા દ્વારા હાલમાં જ શરૂ કરવામાં આવી હતી જેણે તણાવમાં અચાનક વધારો કર્યો છે. આ ઘટના બાદ થાઈલેન્ડે કમ્બોડિયાના રાજદૂતને પણ દેશમાંથી હાંકી કાઢ્યા હતા.
PM ના રાજીનામાંની અસર
આ સંઘર્ષશરૂ થવાના થોડા સમય પહેલા જ એટલે કે 15 જૂન 2025 ના રોજ થાઈલેન્ડના PM પાયથોંગતાર્ન શિનાવાત્રાએ પપદ છોડી દીધું હતું. તેનું કારણ કમ્બોડિયાના PM સાથેની ગુપ્ત ફોન કોલ હતી. જેમાં તેમણે થાઈ સેનાની ટીકા કરી હતી. આ કોલ લિક થઇ જતાં સેનામાં અને જનતામાં ભારે ગુસ્સો ફાટી નીકળ્યો હતો. અંતે કોર્ટના આદેશથી PM ને હટાવવામાં આવ્યા હતા. PM ના આ અણધાર્યા રાજીનામાંએ દેશમાં રાજકીય અસ્થિરતા ઉભી કરી છે જે કદાચ આ સરહદી તણાવને વધુ વકરાવી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ ઘટનાક્રમ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. કારણ કે, આ સંઘર્ષ પ્રાદેશિક શાંતિ અને સુરક્ષા માટે મોટો ખતરો ઉભો કરી શકે છે.