ફાયર વિભાગમાં બોગસ ડિગ્રી કાંડ, 3 સ્ટેશન ઓફિસર અને 1 સબ ઓફિસર છૂટા કરાયા

અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસ (AFFS) માં સામે આવેલા બોગસ ડિગ્રી કૌભાંડ મામલે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. લાંબા સમયથી ચાલી રહેલી તપાસના અંતે, ત્રણ સ્ટેશન ઓફિસર અને એક સબ-ઓફિસરને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરી દેવામાં આવ્યા છે. જે અધિકારીઓને છૂટા કરવામાં આવ્યા છે તેમાં સ્ટેશન ઓફિસર સુધીર ગઢવી, શુભમ ખડિયા અને મેહુલ ગઢવીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સબ ઓફિસર આસિફ શેખ સામે પણ સમાન કાર્યવાહી કરવામાં આવી છે.
3 સ્ટેશન ઓફિસર અને 1 સબ-ઓફિસર ટર્મિનેટ
મળતી જાણકારી અનુસાર, ફાયર વિભાગમાં ભરતી થયેલા કેટલાક અધિકારીઓએ બોગસ અથવા શંકાસ્પદ ડિગ્રીઓ રજૂ કરી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ મામલે વિજિલન્સ તપાસ હાથ ધરવામાં આવી હતી. વિજિલન્સ તપાસમાં આ અધિકારીઓની ડિગ્રીઓ શંકાસ્પદ જણાતા તેમને પગલાં લેવા માટે ભલામણ કરવામાં આવી હતી. આ ભલામણના આધારે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ચારેય અધિકારીઓને નોકરીમાંથી છૂટા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વિજિલન્સ તપાસમાં પગલા લેવા કરાઈ હતી ભલામણ
ફાયર વિભાગ જેવી સંવેદનશીલ અને જીવ બચાવવાની કામગીરી કરતી સંસ્થામાં બોગસ ડિગ્રી ધરાવતા અધિકારીઓ હોવા એ ગંભીર બાબત છે. આ કાર્યવાહી દર્શાવે છે કે, તંત્ર ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને યોગ્યતા જાળવવા માટે કટિબદ્ધ છે. ભવિષ્યમાં આવા કિસ્સાઓ ન બને તે માટે ભરતી પ્રક્રિયાને વધુ સઘન બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.