વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વેપારીનો આપઘાત, 5 લોકો સામે ફરિયાદ

અમદાવાદમાં વ્યાજખોરના બેફામ ત્રાસનો વધુ એક ભોગ લેવાયો છે. કઠવાડા GIDC વિસ્તારમાં હરિકૃષ્ણ પટેલ નામના એક વેપારીએ વ્યાજખોરોનો અસહ્ય ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાએ શહેરમાં વ્યાજખોરોની રાક્ષસી પ્રવૃતિઓ એ કાયદાના અમલીકરણ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
કઠવાડા GIDC માં ઝેરી દવા પી કર્યો આપઘાત
મળતી માહિતી અનુસાર, મૃતક હરિકૃષ્ણ પટેલ પર પાંચ જેટલા વ્યાજખોરોનો આકરો ત્રાસ હતો. આ વ્યાજખોરો 30 ટકા સુધીનું અધધ વ્યાજ વસૂલીને તેમને સતત પરેશાન કરી રહ્યા હતા. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા હરિકૃષ્ણ પટેલે અંતે મોતને વ્હાલું કરવાનું દુઃખદ પગલું ભર્યું હતું. આપઘાત કરતા પહેલા તેમણે એક સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં વ્યાજખોરોના નામ અને તેમના ત્રાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સ્યુસાઈડ નોટના આધારે, ઓઢવ પોલીસે વ્યાજખોર ભરત, સચીન, વિપુલ, દિપક અને મુન્ના એમ કુલ પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
પોલીસે તાત્કાલિક સ્યુસાઈડ નોટ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પોલીસ દ્વારા આપવામાં આવી છે. વ્યાજખોરોના ત્રાસ એ સમાજ માટે એક સળગતી સમસ્યા બની રહી છે. અનેક પરિવારો આ વ્યાજના વિષચક્રમાં ફસાય છે અને દેવાના ડુંગર તળે કચડાઈને જીવન ટૂંકાવવા મજબૂર બને છે. આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે, વ્યાજખોરીના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે પોલીસ અને કાયદાએ વધુ સક્રિય ભૂમિકા ભજવવાની તાતી જરૂર છે જેથી આવા નિર્દોષ જીવોનો ભોગ ન લેવાય.