ફ્રાન્સના નિર્ણય સામે અમેરિકા અને ઇઝરાયલનું સખ્ત વલણ, જાણો શું છે સમગ્ર મામલો?

અમેરિકાએ રાષ્ટ્રપતિ મેક્રોનની જાહેરાત પર નારાજગી વ્યક્ત કરી છે. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ X પર પોસ્ટ મુકી છે. ઇમેન્યુઅલ મેક્રોનના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતા તેઓએ લખ્યું હતુ કે, અમેરિકા ઇમેન્યુઅલ મેક્રોનના તે નિર્ણયને સખત રીતે નકારે છે. જેમાં તેઓ યુએન જનરલ એસેમ્બલીમાં પેલેસ્ટિનિયન રાજ્યને માન્યતા આપવાની યોજના બનાવી રહ્યા છે. આ અવિચારી નિર્ણય હમાસના પ્રચારમાં વધારો કરશે અને શાંતિને નુકસાન પહોંચાડશે.
ફ્રાન્સના નિર્ણયનો ચારેબાજુ વિરોધ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક જાહેરાતમાં કહ્યું હતું કે પેલેસ્ટાઇન રાષ્ટ્રને માન્યતા આપવાની સત્તાવાર જાહેરાત ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં કરવામાં આવશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને જણાવ્યુ હતુ કે, તેમનો દેશ, પેલેસ્ટાઇનને એક દેશ તરીકે માન્યતા આપવા જઈ રહ્યો છે. આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ફ્રાન્સ પેલેસ્ટાઇનને સત્તાવાર રીતે માન્યતા આપશે. ફ્રાન્સ G7 જૂથમાં પેલેસ્ટાઇનને માન્યતા આપનાર પ્રથમ દેશ હશે. સાઉદી અરેબિયા ફ્રાન્સના આ નિર્ણયનું સ્વાગત કરી રહ્યું છે. જ્યારે ફ્રાન્સના સાથી અમેરિકા આનાથી ખૂબ ગુસ્સે છે. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ ફ્રાન્સના આ નિર્ણયનો સખત વિરોધ કર્યો છે.
ઇઝરાયલે પ્રગટ કર્યો રોષ
7 ઓક્ટોબર 2023ના રોજ પેલેસ્ટિનિયન સંગઠન હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો હતો. જેમાં 1200થી વધુ લોકોના મોત થયા હતા. અને મોટી સંખ્યામાં લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. આ હુમલા પછી, ઇઝરાયલે ગાઝામાં લશ્કરી હુમલા શરૂ કર્યા હતા. જેના કારણે ગાઝામાં બરબાદી શરુ થઇ હતી. લાખો લોકો વિસ્થાપિત થયા હતા. ઇઝરાયલ હંમેશા પેલેસ્ટાઇનના મુદ્દાને ઉકેલવા માટે પેલેસ્ટાઇનીઓ માટે એક અલગ દેશનો વિરોધ કરે છે અને હવે જ્યારે ફ્રાન્સ પેલેસ્ટાઇન રાષ્ટ્રને માન્યતા આપવા જઈ રહ્યું છે. ત્યારે ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂ આ અંગે રોષ વ્યક્ત કરી રહ્યા છે. નેતન્યાહૂએ X પર લખ્યું છે કે, '7 ઓક્ટોબરના હત્યાકાંડ પછી તેલ અવીવ નજીક પેલેસ્ટાઇન રાષ્ટ્રને માન્યતા આપવાના રાષ્ટ્રપતિ મેક્રોનના નિર્ણયની અમે સખત નિંદા કરીએ છીએ. આવા પગલાથી આતંકને પ્રોત્સાહન મળે છે અને ગાઝા જેવું બીજું ઇરાની પ્રોક્સી રાજ્ય બનાવવાની ધમકી મળે છે. આ પરિસ્થિતિઓમાં, પેલેસ્ટાઇન રાજ્ય ઇઝરાયલના વિનાશ માટે લોન્ચ પેડ હશે. તેની સાથે શાંતિથી રહેતો દેશ નહીં. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે પેલેસ્ટાઇનીઓ ઇઝરાયલ સાથે દેશ ઇચ્છતા નથી. પરંતુ તેઓ ઇઝરાયલને દૂર કરીને દેશ ઇચ્છે છે.'