સગીરા સાથે રેપ કરનારા પાલક પિતાને આજીવન કેદ, વૃધ્ધને 20 વર્ષની સજાનો હુકમ કરતી કોર્ટ

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં બનેલ બનાવે સુરત શહેરમાં ચકચાર મચાવી દીધી હતી. આ બનાવ સમાજ વિરોધી અને નાના બાળકોની સુરક્ષા વિરુદ્ધનું છે, ભોગ બનનાર આ ઘટનાની અસર સમગ્ર જીવન દરમિયાન ભૂલી શકશે નહીં તેવું સ્પષ્ટ પણે કોર્ટે કહ્યું હતું. ૧૨ વર્ષીય સગીરાની સાથે પાલક પિતા તેમજ અન્ય એક ૬૪ વર્ષીય વૃદ્ધની સાથે રેપ કરીને ગર્ભવતી કરનારા બે આરોપીઓને કોર્ટે પોકસો અને એટ્રોસિટી એક્ટ મુજબ તકસીરવાર ઠેરવીને પાલક પિતાને આજીવન કેદની તેમજ વૃદ્ધને ૨૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો.
આ કેસની વિગત મુજબ સને-૨૦૨૪માં કાપોદ્રા વિસ્તારમાં રહેતી એક મહિલાના લગ્ન થકી સંતાનમાં પુત્રીનો જન્મ થયો હતો. પતિ સાથે ઝથડા થવાને કારણે તેણીએ ડિવોર્સ લઈને સુરતમાં રહેવા માટે આવી હતી. કાપોદ્રા વિસ્તારમાં તેની મુલાકાત રિક્ષા ડ્રાઇવિંગ કરતા સંજય ઉર્ફે સંજુ તાતેરાવ પાટિલની સાથે થઇ હતી. તેઓ લગ્ન કે કરાર વગર પતિ-પત્ની તરીકે રહેતા હતા અને આ બીજા પતિ થકી તેને સંતાનમાં એક છ વર્ષની પુત્રીનો જન્મ થયો હતો. સંજયની સાથે પણ ઝઘડાના કારણે આ મહિલા કાપોદ્રા વિસ્તારમાં અલગ રહેતી હતી. બીજી તરફ સંજય પાલિક પિતા તરીકે બાળકોને કાપોદ્રામાં તેના માતા-પિતાના ઘરે લઈ જતો હતો અને ત્યાં નાની પુત્રીને દુકાને મોકલીને મોટી પુત્રીની સાથે રેપ કરતો હતો. બાળકીની પૂછપરછમાં સંજયની સાથે સાથે કાપોદ્રામાં પ્રભુદર્શન સોસાયટીમાં રહેતો ૬૨ વર્ષીય હીરામનભાઈ ઉર્ફે હીરાલાલ કાકા કિશનભાઈ શીંગનેએ પણ વારંવાર રેપ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. સગીરાની માતાએ સંજય તેમજ હીરાલાલની સામે કાપોદ્રા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધીને બંનેની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા હતા. આ કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ મુંજાલ બ્રહ્મભટ્ટે દલીલો કરી હતી. ફાસ્ટટ્રેક એક્સક્લુઝિવ પોક્સો કોર્ટના જજ વિનોદ વી. પરમાર બંને પક્ષોની દલીલો બાદ બંને આરોપીને પોક્સો અને એટ્રોસિટી એક્ટના કેસમાં તકસીરવાર ઠેરવ્યા હતા અને ચુકાદો આપતા નોંધ્યું હતું કે, બીજા નંબરના આરોપી ૬૪ વર્ષના છે અને તેઓએ બાળકીના કુદરતી પિતાનો ગેરલાભ ઉઠાવીને સતત શારીરિક સંબંધો બાંધ્યા છે તેને છોડી શકાય નહીં.

