ચાર્જશીટમાં માત્ર દલાલને આરોપી બનાવતા વધુ તપાસ અર્થે અરજી

મૂળ અમરેલીના અને હાલ નાના વરાછા હંસવિહાર સોસાયટીમાં રહેતા ઉમેશ કથાડા મહીધરપુરા ખાતે હીરા બજારમાં હીરાનો વેપાર કરે છે. વેપારી ઉમેશ કથાડા સહિત ૧૦ હીરાના વેપારી પાસેથી દલાલ આકાશ શાહે સાડા ૬ કરોડથી વધુ હીરાનો માલ અન્ય વેપારીને બતાવવા અથવા તો વેપારીને પસંદ પડે તો વેચાણ માટે આપવાનું કહી લઈ ગયો હતો. ત્યારબાદ આકાશ શાહે આ માલ તેમજ માલનું પેમેન્ટ ઉમેશ કથાડા સહિતના વેપારીઓને ચૂકવ્યું ન હતું જેથી ઉમેશે આ અંગે મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં અઠવા લાઈન્સ ઈન્ડોર સ્ટેડિયમની બાજુમાં |
ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટમાં રહેતા દલાલ આકાશ પ્રફુલ શાહ વિરુદ્ધ વિશ્વાસધાતની ફરિયાદ નોંધાવી હતી. મહિધરપુરા પોલીસે આકાશ શાહ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી. દરમિયાન પોલીસે આરોપી આકાશ સામે તપાસ પૂર્ણ કરી તેની વિરુધ્ધ ચાર્જશીટ કોર્ટમાં કરી હતી.
જોકે ફરિયાદી ઉમેશભાઈએ વકીલ રહીમ શેખ મારફતે સુરત કોર્ટમાં સીઆરપીસીની કલમ ૧૭૩ (આઠ) મુજબની અરજી કરી દાદ માંગી હતી કે ફરિયાદીએ આ ગુનાના આરોપી સામે ફરિયાદ આપી છે પોલીસે તપાસ પુરી કરી ચાર્જશીટ કરી દીધી કરી દીધી છે. પોલીસે પૂરતી અને તટસ્થ તેમજ સાચી દિશામાં તપાસ કરી નથી.આરોપી આકાશ શાહે ઠગાઈ કરીને મેલવેલો હીરાનો માલ પોતાના મળતિયાઓ (હીરા વેપારીઓ)ને વેચ્યો છે. મૂળ આરોપી આકાશના રિમાન્ડ દરમિયાન મૂળ આરોપીએ પોલીસમાં કબુલ કર્યું છે કે આ ઠગાઈ કરેલો માલ તેણે મળતીયાઓને વેચાણ કર્યો છે જેથી મળતીયાઓ પણ આ કેસમાં પ્રથમ દર્શનીય રીતે સહ આરોપી બને છે. જેથી વકીલ રહીમ શેખે આ ગુનામાં ફર્ષર ઈન્વેસ્ટીગેશન કરવા અને મળતીયાઓને આ ગુનામાં આરોપી બનાવવા તેમજ ઠગાઈની કલમનો ઉમેરો કરવા ત્યારબાદ વધુ તપાસ કરીને ચાર્જસીટ કરવા દાદ માંગી હતી. કોર્ટે આ દલીલો ધ્યાને લઈ આ ગુનાની તપાસ કરનાર અધિકારીને નોટીસ ઇશ્યૂ કરવામાં આવી હોવાનું વકીલ રહીમ શેખે જણાવ્યું હતું.

